સુરતના બમરોલી-પાંડેસરામાં નાસિર નગર જેવી હાલત
સાંઈશક્તિ નગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
બ્લોક નંબર 197/1ની જમીનમાં બિલ્ડર દ્વારા દબાણ
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં આવેલા સાંઈશક્તિ નગરના રહેવાસીઓએ નાસિર નગર જેવી હાલત થવાની ભીતી વચ્ચે કલેક્ટરને આવેદનપત્ર આપી વર્ષોથી વસવાટ કરતા મકાનો પર કાર્યવાહી થવાની ભીતિ વ્યક્ત કરી છે. સ્થાનિકોનો આરોપ છે કે બિલ્ડરના હિત માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને સમયસર ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે.
સુરતના બમરોલી-પાંડેસરા વિસ્તારમાં નાસીરનગર જેવી સ્થિતિ સર્જાવાની ભીતિ વચ્ચે સાંઈશક્તિ નગરના આશરે 300 પરિવારો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. સ્થાનિકોએ કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે તેઓ વર્ષોથી અહીં વસવાટ કરે છે અને મિલકત સંબંધિત વિવિધ વેરા તેમજ અન્ય બિલો પણ નિયમિત રીતે ભરતા આવ્યા છે. રહેવાસીઓએ આશંકા વ્યક્ત કરી હતી કે બ્લોક નંબર 197/1ની જમીનને લઈને બિલ્ડર દ્વારા દબાણ ઉભું કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેમના મકાનો પર બુલડોઝર ફરી શકે તેવી ભીતિ સતાવી રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે તેઓ પોતાના હક્ક માટે લડશે અને બીજી નાસીરનગર જેવી ઘટના બનવા દેશે નહીં. સ્થાનિકોએ જણાવ્યું હતું કે કલેક્ટર બાદ હવે પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપવામાં આવશે. જો આગામી દિવસોમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ઉગ્ર આંદોલન શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
