સુરત મહાનગર પાલિકા દ્વારા ભેળસેળીયાઓ સામે લાલ આંખ
ઘી, દહીં અને ગોળના 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર
જ્યોતિરાદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘી સહિતના એકમોના નમુના ફેલ
સુરત મહાનગર પાલિકા દ્વારા ભેળસેળીયાઓ સામે લાલ આંખ કરાઈ છે ત્યારે ઘી, દહીં અને ગોળના 6 નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. જેમાં જ્યોતિરાદિત્ય ફૂડ્સ અને અક્ષર ઘી સહિતના એકમોમાંથી લેવાયેલા નમુના સબસ્ટાન્ડર્ડ આવતા કાર્યવાહી હાથ ધરાઈ છે.
સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા તત્વો સામે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. સુરત મહાનગર પાલિકાના હેલ્થ અને હોસ્પિટલ ડેપ્યુટી કમિશનર તથા ડેઝિગ્નેટેડ ઓફિસરની સીધી સૂચના હેઠળ ડિસેમ્બર માસ દરમિયાન લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પૃથ્થકરણ બાદ ચોંકાવનારા પરિણામો સામે આવ્યા છે. પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવામાં આવેલા અહેવાલ મુજબ, સુરતની વિવિધ સંસ્થાઓમાંથી લેવાયેલા ઘી, દહીં અને ગોળના કુલ 6 નમૂનાઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના ધારાધોરણ મુજબ ફેઇલ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ઉધના વિસ્તારમાં આવેલ જ્યોતિરાદિત્ય ફૂડ્સ પ્રોડક્ટ્સના ટેબલ માર્ગેરીન અને ડભોલી ચાર રસ્તા પાસેની અક્ષર ઘી સંસ્થાના ઘીના નમૂનામાં બેટા સીટોસટેરોલની હાજરી જોવા મળી છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ઘીમાં આ તત્વની હાજરી સૂચવે છે કે તેમાં વનસ્પતિ તેલ કે ફેટની ભેળસેળ કરવામાં આવી છે. તો લસકાણા સ્થિત અલ્પેશભાઈ ઈશ્વરભાઈ સાવલીયાના ભેંસના ઘીમાં પણ આ જ પ્રકારે ભેળસેળ હોવાનું લેબોરેટરીમાં સાબિત થયું છે. રેલવે સ્ટેશન સામે આવેલી જાણીતી હોટેલ મે. આકાશ હોટેલ્સ પ્રા.લી.માંથી લેવામાં આવેલા દહીંના નમૂનામાં ફેટનું પ્રમાણ નિર્ધારિત ધારાધોરણ કરતા ઓછું મળી આવ્યું છે, જેના કારણે તેને પણ સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ દર્શાવે છે કે મોટા ગ્રાહક વર્ગ ધરાવતી સંસ્થાઓમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જળવાતી નથી. મિઠાઈ અને અન્ય વાનગીઓમાં વપરાતા ગોળમાં પણ ભેળસેળનો ખેલ સામે આવ્યો છે. બમરોલીના ન્યુ ધનલક્ષ્મી જનરલ એન્ડ કિરાણા સ્ટોરના સફેદ ગોળમાં અને વેસુના ક્રિષ્ણા સુપર સ્ટોરના ગોળમાં સિન્થેટિક કલરનું પ્રમાણ મળી આવ્યું છે. ગોળને આકર્ષક દેખાડવા માટે કરવામાં આવતો આ કલરનો વપરાશ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. .
