સોનગઢના મલંગદેવમાં દૂધ ડેરીનો 31 લાખનો કૌભાંડ મામલો

Featured Video Play Icon
Spread the love

સોનગઢના મલંગદેવમાં દૂધ ડેરીનો 31 લાખનો કૌભાંડ મામલો
સભાસદોના નામે બારોબાર લોન ઉપાડી લેવાનું મસમોટું કૌભાંડ
પશુપાલકોના નામે લોન લેવાય અને હપ્તા દૂધના પગારમાંથી કપાય
મંત્રી-પ્રમુખની હાજરીમાં સભાસદોનો ભારે આક્રોશ, ટેન્કર રોકી વિરોધ નોંધાવ્યો

સોનગઢ તાલુકાના મલંગદેવ ગામે આવેલી દૂધ ડેરીમાં છેલ્લા ઘણા દિવસોથી ગાજેલ રૂ. 31 લાખની ઉચાપતના મામલે આજે નવો ફણગો ફૂટ્યો છે.

પશુપાલકોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે, ડેરીના વહીવટદારો દ્વારા સભાસદોની જાણ બહાર તેમના નામે લોન ઉપાડી લેવામાં આવી છે અને આ લોનના હપ્તા સભાસદોના દૂધના પગારમાંથી કાપવામાં આવી રહ્યા છે. આ ઘટસ્ફોટ થતા જ સભાસદોમાં રોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. ખુલાસો કરવાને બદલે જવાબદારોએ હાથ ઊંચા કર્યા આ કથિત કૌભાંડ મામલે ખુલાસો આપવા માટે આજે મંત્રી અને પ્રમુખે સભાસદોને બોલાવ્યા હતા. જોકે, મોટી સંખ્યામાં પશુપાલકો ઉમટી પડ્યા હોવા છતાં જવાબદારો ગેરહાજર રહ્યા હતા. લાંબા ઈન્તજાર બાદ જ્યારે તેઓ આવ્યા ત્યારે “ઓપરેટર હાજર નથી” કહી વાત ટાળવાનો પ્રયાસ કરતા મામલો બીચક્યો હતો. સભાસદોની કમાણી પર તરાપ: લોનનું રહસ્ય શું ?

સભાસદોનો સૌથી મોટો આક્ષેપ એ છે કે તેમની સહીઓ કે સંમતિ વિના જ તેમના નામે લોન મંજૂર કરાવી દેવાઈ છે. આ લોનના નાણાં કોના ખિસ્સામાં ગયા તે ખબર નથી, પણ તેનું વ્યાજ અને હપ્તા પશુપાલકોના પરસેવાની કમાણી (દૂધના પેમેન્ટ) માંથી કાપવામાં આવી રહ્યા છે. આમ, 31 લાખની ઉચાપતમાં લોનનું આ કૌભાંડ કેટલું મોટું છે તે તપાસનો વિષય બન્યો છે. પોલીસ બોલાવવી પડી, ટેન્કર રોકાયું ન્યાયની માંગ સાથે સભાસદોએ દૂધ ભરેલું ટેન્કર કલાકો સુધી અટકાવી રાખ્યું હતું. હોબાળો એટલો વધ્યો કે સ્થાનિક પોલીસ અને ડેરી સુપરવાઇઝરે દરમિયાનગીરી કરવી પડી હતી. અંતે, આગામી દિવસોમાં આ લોન અને ઉચાપત અંગેનો તમામ હિસાબ જાહેર કરવાની બાહેધારી આપતા મામલો થાળે પડ્યો હતો. હવે સવાલ એ ઉઠે છે કે, શું મલંગદેવના પશુપાલકોને તેમના જ નામે લેવાયેલી ‘ખોટી લોન’ માંથી મુક્તિ મળશે? શું આ આર્થિક ગેરરીતિ આચરનારા જેલના સળિયા પાછળ જશે?….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *