સુરતમાં મુંબઈ-ભુજ ટ્રેનમાં થતી બુટલેગરોની હેરાફેરી ઝડપાઇ
ટ્રેનમાં દારૂની હેરાફેરીનો મુસાફરોએ પર્દાફાશ કર્યો.
2 શખ્સો ઝડપાયા અને 4 મહિલાઓ ફરાર થઈ
ગુજરાતમાં દારૂબંધી વચ્ચે ટ્રેન મારફતે વિદેશી દારૂની હેરાફેરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મુંબઈથી કચ્છ તરફ જતી ટ્રેનમાં દારૂનો જથ્થો લઈ જતા શખ્સોને જાગૃત મુસાફરોએ ઝડપી પાડ્યા હતા.
સુરત સ્ટેશન પર ટ્રેનને અંદાજે 30 મિનિટ રોકીને મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર ઘટનાને પગલે સુરત રેલવે સ્ટેશન પર દારૂની હેરાફેરી સામે મુસાફરોનો રોષ જોવા મળ્યો હતો. મુંબઈ-ભુજ જતી ટ્રેન નંબર 09037માં વાપી નજીક 4 મહિલાઓ સહિત 6 શખ્સો કોથળા લઈને સવાર થયા હતા. કોથળામાંથી દારૂની બોટલોની ગંધ આવતાં મુસાફરોને શંકા ગઈ હતી. ત્યારબાદ મુસાફરોએ સમગ્ર મામલો પકડી પાડવા માટે બૂમાબૂમ કરી હતી. મુસાફરોને દારૂની હેરાફેરીની શંકા જતા હોબાળો શરૂ થયો હતો. આ દરમિયાન તકનો લાભ લઈને ચારેય મહિલાઓ ટ્રેનમાંથી નાસી છૂટી હતી. જોકે, મુસાફરોએ બે યુવાનોને ઝડપી પાડ્યા હતા.
મુસાફરોએ દારૂના જથ્થા સાથે ઝડપાયેલા બંને યુવાનોને સુરત સ્ટેશન સુધી પકડી રાખ્યા હતા. ત્યારબાદ ટ્રેન સુરત પહોંચતા પોલીસને જાણ કરવામાં આવી હતી અને બંને શખ્સોને દારૂના જથ્થા સાથે પોલીસને સોંપવામાં આવ્યા હતા. ટ્રેનમાં દારૂની હેરાફેરી સામે મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ટ્રેનમાં દારૂ કેવી રીતે લાવવામાં આવ્યો અને આ હેરાફેરી પાછળ કોણ છે તે અંગે પણ સવાલો ઉઠ્યા છે. અંદાજે 5 જેટલા બુટલેગરો ટ્રેન મારફતે દારૂનો જથ્થો સુરત તરફ લાવી રહ્યા હોવાની વાત સામે આવી છે. બે શખ્સો ઝડપાયા જ્યારે અન્ય 3 સહિત ચાર મહિલાઓમાંથી કેટલા લોકોની સંડોવણી હતી તે અંગે તપાસ બાદ વધુ વિગતો બહાર આવી શકે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
