સુરત એસઓજીની ટીમે ગાંજો અને ત્રણ આરોપીઓ ઝડપ્યા
21 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે ઝડપાયા
મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો
સુરત એસઓજીની ટીમે ઓડિશાથી ટ્રેન મારફતે સુરતમાં ઘુસાડવામાં આવતો 21 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓને ઝડપી પાડી લાખોની મત્તા કબ્જે કરી હતી.
સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા સુરત શહેરમાં નો ડ્રગ્સ ઈન સુરત સિટી અભિયાન ચલાવવા આપેલા આદેશને લઈ સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમની ટીમ પીઆઈ એએસ સોનારા સાથે પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હિતેષસિંહ અને અહેકો રાજુભાઈને મળેલી બાતમીના આધારે સુરત રેલવે સ્ટેશન બહારથી બે પુરુષ સંજય પ્રહલાદ શાહુ, નબઘન રામચંદ્ર પાહન અને એક મહિલા સરસ્વતી ઉર્ફે સંધ્યા રંજન મુનીને ઝડપી પાડ્યા હતાં. અને તેઓની તપાસ કરતા તેઓ પાસેથી 21 કિલો 40 ગ્રામ ગાંજો, ત્રણ મોબાઇલ ફોન અને રોકડ મળી 10.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ઓડિશાના ગંજામ જિલ્લામાંથી પેસેન્જર બની ટ્રેનમાં મુસાફરી કરીને ટ્રાવેલ બેગમાં ગાંજો છુપાવી સુરતમાં સપ્લાય કરવા આવ્યા હતા. પરંતુ એસઓજીએ સમયસર કાર્યવાહી કરી નશાનો જથ્થો શહેરમાં પ્રવેશે તે પહેલાં જ સમગ્ર રેકેટને નિષ્ફળ બનાવ્યો હતો. હાલ ત્રણેય આરોપીઓ સામે મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા વધુ તપાસ મહિધરપુરા પોલીસે હાથ ધરી છે.
