માંડવી જંગલમાં માનવ-દીપડા સંઘર્ષ અટકાવવા વન વિભાગનો મોટો નિર્ણય

Featured Video Play Icon
Spread the love

માંડવી જંગલમાં માનવ-દીપડા સંઘર્ષ અટકાવવા વન વિભાગનો મોટો નિર્ણય
સાસણથી ૩ તબક્કામાં ૫૦ હરણ લાવી મુક્ત કરાયા

માંડવી વન વિભાગ દ્વારા જંગલની ઇકો-સિસ્ટમ સુધારવા અને માનવ-વન્યજીવ સંઘર્ષને નાથવા માટે એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.

માંડવીના જંગલોમાં વન્યજીવો વચ્ચે આહાર શૃંખલાનું સંતુલન જાળવવાના ભાગરૂપે વિશ્વપ્રસિદ્ધ સાસણગીરથી કુલ 50 જેટલા ટપકાંવાળા નર અને માદા હરણ લાવવામાં આવ્યા છે. વન વિભાગ દ્વારા ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ હરણોને એકસાથે લાવવાને બદલે દર 15-15 દિવસના અંતરે ત્રણ અલગ-અલગ તબક્કામાં લાવવામાં આવ્યા હતા અને તેમને જંગલની અલગ-અલગ રેન્જમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યા છે. જેમાં ઉત્તર રેંજમાં પ્રથમ તબક્કામાં 21 અને બીજા તબક્કામાં 13 મળી કુલ 34 હરણ છોડવામાં આવ્યા છે, જ્યારે દક્ષિણ રેન્જમાં 16 જેટલાં હરણો મુક્ત કરવામાં આવ્યા છે. આ નવતર પ્રયોગ પાછળનું મુખ્ય કારણ માંડવીના જંગલમાં સતત વધી રહેલી દીપડાઓની વસ્તી છે. હાલ આ જંગલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યા વધીને 100થી વધુ થઈ ગઈ છે, જેની સામે તેમનો મુખ્ય ખોરાક ગણાતા શાકાહારી પ્રાણીઓની સંખ્યા ખૂબ ઓછી હતી. જંગલની અંદર પૂરતો શિકાર ન મળવાના કારણે દીપડાઓ ખોરાકની શોધમાં જંગલ છોડીને બહાર આવી રહ્યા હતા, જેના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં માનવીઓ પર દીપડાના હુમલાની ઘટનાઓ વધી ગઈ હતી. આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ રૂપે, દીપડાઓને જંગલની અંદર જ પૂરતા પ્રમાણમાં કુદરતી ખોરાક મળી રહે અને શાકાહારી-માંસાહારી પ્રાણીઓ વચ્ચે સંતુલન જળવાય તેવા હેતુથી વન વિભાગે આ હરણો જંગલમાં છોડ્યા છે. આ વૈજ્ઞાનિક અભિગમથી દીપડાઓ વસાહતો તરફ જતા અટકશે અને માનવ પર થતા હુમલાઓ રોકી શકાશે, જેને પગલે સ્થાનિક ગ્રામજનોએ પણ મોટી રાહત અનુભવી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *