સુરત ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન
નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને પીએમ મોદીના 12 વર્ષની ઉજવણી
નરેન્દ્ર મોદીના 12 વર્ષના વિકાસયાત્રાની રૂપરેખા રજૂ કરવામાં આવી
સુરત ભાજપ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયુ હતુ જેમાં નાણામંત્રી કનુ દેસાઈના અધ્યક્ષ સ્થાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના વિકાસયાત્રાની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.
ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં લોકકલ્યાણ અને સર્વસમાવેશી વિકાસને મુખ્ય પ્રાથમિકતા આપવામાં આવી છે. ગરીબ કલ્યાણકારી યોજનાઓના માધ્યમથી કરોડો લોકોને સીધો લાભ મળ્યો છે. જન ધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જ્યારે 32 કરોડથી વધુ મહિલાઓના ખાતા શરૂ કરવામાં આવ્યા છે, જે મહિલાઓના આર્થિક સશક્તિકરણમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થયું છે. દેશના નાગરિકોને સુરક્ષા કવચ આપવા માટે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ 58 કરોડથી વધુ લોકોને આવરી લેવાયા છે. ખાદ્ય સુરક્ષા અંતર્ગત અત્યાર સુધી 81 કરોડથી વધુ દેશવાસીઓને મફત અનાજ આપવામાં આવ્યું છે, જે કોરોના સમયથી શરૂ થયેલી સહાય યોજના આજે પણ સતત ચાલુ છે.
કૃષિ ક્ષેત્રે પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ધરતી આબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે 79,000 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હોવાનું પણ જણાવાયું હતું. નાણામંત્રીએ વધુમાં કહ્યું કે આ તમામ યોજનાઓનો હેતુ ગરીબથી લઈને મધ્યવર્ગ સુધીના દરેક નાગરિકને વિકાસની મુખ્યધારામાં જોડવાનો રહ્યો છે. અંતમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ થયેલા વિકાસ કાર્યોને વિકાસયાત્રા તરીકે રજૂ કરવામાં આવ્યા હતાં.
