નર્મદા જિલ્લામાં ભાજપના આંતરિક વિખવાદને લઈને મોટા સમાચાર
વિવાદ ઉકેલવા પ્રદેશ અધ્યક્ષે સંભાળી કમાન
મહિલા ધારાસભ્ય દર્શના દેશમુખને મળ્યું કમલમનું તેડું
નર્મદા જિલ્લા ભાજપમાં તાજેતરમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પ્રમુખ વચ્ચે ગંભીર આંતરિક વિખવાદ સામે આવ્યો છે. ત્યારે આજે દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ નર્મદા જિલ્લાને પ્રવાસે પહોંચતા અનેક સવાલોએ જોર પકડ્યું
નર્મદામાં ધારાસભ્યએ જિલ્લા પ્રમુખ દ્વારા સતત અપમાન થતું હોવાના આક્ષેપ સાથે રાજીનામાની ચીમકી ઉચ્ચારી હતી અને કાર્યક્રમમાંથી વોકઆઉટ પણ કર્યું હતું. આ વિવાદને પગલે પ્રદેશ ભાજપે બંને પક્ષોને ગાંધીનગર ખાતે ‘કમલમ’માં બોલાવ્યા હતા. આ પહેલાં સાંસદ મનસુખ વસાવાએ પણ જિલ્લા પ્રમુખની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે, જેમાં નાંદોદના ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ સામે ગંભીર આક્ષેપો કરતા સનસનાટી મચી ગઈ છે. રાજપીપળાના આંબેડકર હોલ ખાતે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સન્માન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ મંત્રી ગણપત વસાવાની હાજરીમાં જ ધારાસભ્યના પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન તેમનું યોગ્ય સ્વાગત ન થતા અને સતત અપમાન કરવામાં આવતા નારાજ થયેલા ધારાસભ્યએ કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું અને ગાંધી ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. ત્યારે આજે દક્ષિણ ઝોન પ્રભારી અને પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ નર્મદા જિલ્લાને પ્રવાસે પહોંચતા અનેક સવાલોએ જોર પકડ્યું છે
ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તેમનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે, જેના કારણે તેઓ અત્યંત વ્યથિત છે. આ ઘટના બાદ તેમણે પક્ષના સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. એક જવાબદાર પદ પર બેઠેલા ધારાસભ્યનું પ્રભારી મંત્રીની હાજરીમાં જ આ પ્રકારનું અપમાન થતા ભાજપના આંતરિક જૂથવાદ અને સંગઠનની નિષ્ક્રિયતા સામે મોટા સવાલો ઉભા થયા છે.
