સુરતમાં માથાભારે ગુનેગારો સાથે વિદ્યાર્થીઓ પણ ગુનેગાર
મનપાની શાળામાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ હુમલો કર્યો
વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા ચકચાર
સુરતમાં માથાભારે ગુનેગારો સાથે વિદ્યાર્થીઓ પણ ગુનેગાર બની રહ્યા હોય તેમ ઉધના વિસ્તારમાં આવેલી મનપાની શાળામાં માત્ર 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય 11 વર્ષના વિદ્યાર્થી પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ હતી.
સુરતમાં વિદ્યાર્થીઓ વચ્ચે નાની બબાતે થયેલા ઝઘડામાં જીવલેણ હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી છે. શાળામાં સાથે જ અભ્યાસ કરતા આ બંને સગીર વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ સામાન્ય બાળસહજ બાબતને લઈને ક્લાસરૂમમાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સામાન્ય વિવાદે એટલું ગંભીર અને હિંસક સ્વરૂપ ધારણ કર્યું કે શાળા છૂટવાના સમયે એક વિદ્યાર્થીએ પોતાની પાસે રાખેલું તીક્ષ્ણ ચપ્પુ કાઢીને બીજા વિદ્યાર્થી પર આડેધડ ઘા ઝીંકી દીધા હતાં. આ જીવલેણ હુમલાના કારણે ભોગ બનનાર માસૂમ વિદ્યાર્થી લોહીલુહાણ થઈ ગયો હતો અને તેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે શાળા પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સઘન સારવાર ચાલી રહી છે.
હાલ તો ઘટનાને લઈ ઉધના પોલીસે સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે. તો ઈજાગ્રસ્ત બાળકની માતાએ કહ્યુ હતુ કે હુમલાનો શિકાર બનનાર 11 વર્ષીય વિદ્યાર્થી છે. તે ઉધનાની મરાઠી સ્કૂલમાં અભ્યાસ કરે છે. આ ઘટના બપોરે 12:30 વાગ્યાથી 12:45 વાગ્યાના સમયગાળા દરમિયાન બની હતી, જ્યારે સ્કૂલ છૂટવાની તૈયારીમાં હતી. સ્કૂલમાં જ ભણતા અન્ય એક વિદ્યાર્થીએ ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. હુમલો કરનાર વિદ્યાર્થી પણ એ જ સ્કૂલમાં અભ્યાસ કરે છે, પરંતુ પીડિત પરિવાર તેને વ્યક્તિગત રીતે ઓળખતો નથી.
