સુરત મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વહીવટીતંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને આખી કચેરી ખાલી કરાવી
બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઈ
સુરત મહાનગરપાલિકાની કચેરીને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે જ વહીવટીતંત્ર દ્વારા ત્વરિત નિર્ણય લઈને આખી કચેરી ખાલી કરાવી દેવામાં આવી હતી. તો બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી.
સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરીને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટી તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ તાત્કાલિક નિર્ણય લઈ સમગ્ર કચેરી ખાલી કરાવી દીધી હતી અને કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. ધમકી મળતાની સાથે જ ફાયર વિભાગ, સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસે ધમકીભર્યો ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ મેળવવા માટે સાયબર તપાસ શરૂ કરી છે. ઈ-મેઈલ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેની પાછળ કોણ સંડોવાયેલું છે તે અંગે વિવિધ એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલમાં સુરત મહાનગરપાલિકા કચેરી આસપાસ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. અધિકારીઓએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.
