સુરતના લિંબાયત મારૂતિ નગર પાસે ઘાત્કી હત્યા મામલે તપાસ
લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણ હત્યારાઓને ઝડપી પાડ્યા
લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો જોવા મળ્યા
સુરતના લિંબાયત મારૂતિ નગર પાસે આવેલ હિન્દ ટી પાસે સરાજાહેર યુવાનની કરાયેલા ઘાત્કી હત્યા મામલે લિંબાયત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી ત્રણ હત્યારાઓને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં. તો લિંબાયત વિસ્તારમાં વધી રહેલી ગુનાખોરીને લઈ લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો જોવા મળ્યા હતાં.
સુરતના લિંબાયત વિસ્તારમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે લિંબાયત મારૂતિનગર પાસે આવેલી હિન્દ ટી પર ચા પિવા ઉભેલા આસીફ ખાન નામના યુવાનની સરાજાહેર ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ હતી. આશીફ ખાનને બન્ને હાથ-પગ, ગળા, પીઠ, કપાળમાં ઘા માર્યા હતા. જાહેરમાં ખેલાયેલા આ લોહિયાળ જંગમાં લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા હતા. જ્યારે હત્યારાઓ યુવકને રહેંસી રહ્યા હતા, ત્યારે આસપાસ અનેક લોકો હાજર હતાં. યુવક લોહીલુહાણ હાલતમાં તરફડતો રહ્યો, પરંતુ જાણે કે માનવતા મરી પરવારી હોય તેમ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કોઈ પણ તેને હોસ્પિટલ લઈ જવા કોઈ તૈયાર ન હતું. સાથે જ પોલીસનો ખોફ ઓસરી રહ્યો છે અને ગુનેગારો બેફામ બન્યા છે, જેથી લોકો પણ હવે વચ્ચે પડતા ડરી રહ્યા છે.
કેટલાક લોકો આસિફખાનને તાત્કાલિક સારવાર માટે 108 માં સ્મિમેર હોસ્પિટલ અને ત્યાંથી ખાનગીમાં લઈ ગયા હતા જ્યાં તેનુ મોત નિપજ્યુ હતું. બીજી તરફ લિંબાયત પોલીસે આશીફની હત્યામાં સંડોવાયેલા કલીમઉદ્દીન શેખ, શહેઝાદ નસીમુદ્દીન સિદ્દીકી અને મુહમ્મદ દિલસાદ રઈશ અહેમદ સલમાનની ધરપકડ કરી છે. મૃતક સાથે હત્યારાઓને 2025માં પૈસાની લેતીદેતી બાબતે વિવાદ થયો હતો. જૂની અદાવતમાં ત્રણેયે આશીફ ખાનની હત્યા કરી હતી. તો લિંબાયત વિસ્તારમાં બે દિવસમાં બે બે હત્યાની ઘટનાઓ બનતા લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.
