સુરત શહેરમાં ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી
અચાનક બેભાન થયા બાદ 28 વર્ષીય યુવકનું મોત
યુવકનું મોત હિટ સ્ટ્રોકના કારણે થયું હોવાનું અનુમાન
સુરત શહેરમાં ગરમી વચ્ચે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સચિન વિસ્તારમાં અચાનક બેભાન થયા બાદ 28 વર્ષીય યુવકનું મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક અનુમાન મુજબ યુવકનું મોત હિટ સ્ટ્રોકના કારણે થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર સચિન સાઈ રો હાઉસમાં રહેતો અનુજ શાહ ઘરેથી જમીને નોકરી પર જવા નીકળ્યો હતો. દરમિયાન સચિન રોડ પર અચાનક તેની તબિયત બગડતા તે બેભાન થઈને નીચે ઢળી પડ્યો હતો. આસપાસના લોકોએ તરત જ યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જો કે હોસ્પિટલ ખાતે પહોંચતા પહેલા જ યુવકનું મોત નિપજ્યું હતું અને તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પરિવારજનોના જણાવ્યા અનુસાર અનુજને કોઈપણ પ્રકારની ગંભીર બીમારી ન હતી અને ભારે ગરમીના કારણે તેની તબિયત લથડતા મોત થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા સચિન પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
