ભારતમાં લોકડાઉનની અફવાઓ પર સરકારનો જવાબ
કેન્દ્રીય મંત્રી હરદીપસિંઘ પુરીએ વાતને અફવા ગણાવી
ભારત સરકાર આવા કોઈ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી નથી
મીડલ ઈસ્ટમાં તણાવને કારણે છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વીડિયો ફરી રહ્યા છે કે દેશમાં ફરી લોકડાઉન લાગી શકે છે. આ લોકડાઉનની અફવા પર હવે કેન્દ્ર સરકારે જવાબ આપ્યો છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું કે, “લોકડાઉનની વાત સાવ ખોટી છે. હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારત સરકાર આવા કોઈ પ્રસ્તાવ પર વિચારણા કરી રહી નથી.
છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ફરીથી લોકડાઉન લાદવામાં આવશે તેવી અફવાઓ જોર પકડી રહી છે. આ ગેરસમજને દૂર કરવા માટે કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ મહત્વની સ્પષ્ટતા કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે સરકાર પાસે લોકડાઉન અંગેનો કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી અને આવી તમામ વાતો સંપૂર્ણપણે પાયાવિહોણી છે, હરદીપ પુરીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નાગરિકોને શાંતિ જાળવવા અને જવાબદાર રહેવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે, “વૈશ્વિક પરિસ્થિતિ અનિશ્ચિત હોઈ શકે છે, પરંતુ ભારત સરકાર સપ્લાય ચેઈન અને આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠા પર સતત નજર રાખી રહી છે. અત્યારે ગભરાવાની કે અફવાઓ ફેલાવવાની કોઈ જરૂર નથી, તો સાથે જ કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જુનું પણ નિવેદન આમે આવ્યું છે ત્યારે તેમણે જનતાને આશ્વાસન આપતા કહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે આ તમામ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ભારત સરકાર એ સુનિશ્ચિત કરી રહી છે કે જનતાને ઈંધણ કે અન્ય કોઈ પણ જીવનજરૂરી વસ્તુઓની અછત ન સર્જાય.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે વિશ્વભરમાં ઉર્જા સંકટ ઊભું થયું છે. છેલ્લા એક મહિનામાં તેલના ભાવ $ 70 પ્રતિ બેરલથી વધીને સીધા $ 122 પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર દક્ષિણ-પૂર્વ એશિયામાં ઓઈલના ભાવમાં 30% થી 50% નો વધારો થયો છે. જ્યારે ઉત્તર અમેરિકામાં આ ઓઈલના ભાવમાં 30% નો વધારો થયો છે. જો કે યુરોપમાં પણ 20% નો વધારો થયો છે. કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે મોદી સરકાર સામાન્ય જનતા પર આ ભાવવધારાનો બોજ ન પડે તે માટે મક્કમ છે અને આંતરરાષ્ટ્રીય બજારની અસ્થિરતા સામે નાગરિકોને સુરક્ષિત રાખવા પ્રયત્નશીલ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
