અમદાવાદ ગોતાના સાઇન સુપર્બ ફ્લેટમાં લાગી આગ.
વંદેમાતરમ વિસ્તારમાં મોડી રાત્રે બની ઘટના.
બચાવ માટે 1 વ્યક્તિએ બીજા માળેથી લગાવ્યો કૂદકો.
અમદાવાદના ગોતા-વંદેમાતરમ વિસ્તારમાં મોડી રાત્રે એક રહેણાંક ફ્લેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આ આગમાં પોતાનો જીવ બચાવવા માટે એક 17 વર્ષીય કિશોરે બીજા માળેથી નીચે કૂદકો લગાવ્યો હતો, જેમાં તેને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
અમદાવાદ ગોતા વિસ્તારના વંદેમાતરમ રોડ પર આવેલા સાઇન સુપર્બ ફ્લેટમાં રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ફ્લેટના પેસેજ અને ઈલેક્ટ્રિક ડક્ટમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા ઉઠતા રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આગની લપેટમાં ફસાયેલા એક પરિવારના 17 વર્ષીય કિશોરે પોતાનો જીવ બચાવવા માટે કોઈ રસ્તો ન જણાતા બીજા માળેથી નીચે પડતું મૂક્યું હતું. ઉંચાઈ પરથી નીચે કૂદવાના કારણે કિશોરને શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત કિશોરને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલ (Hospital) માં સારવાર માટે ખસેડાયો હતો.
આગની આ ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે ફ્લેટના ઈલેક્ટ્રિક મીટરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. આગના કારણે ઈલેક્ટ્રિક વાયરિંગ અને મીટર બળીને ખાખ થઈ ગયા છે. સદનસીબે, ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે આગ પર કાબૂ મેળવી લેવાયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
