સુરત સાયબર સેલે હાઈપ્રોફાઈલ ઠગને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરત સાયબર સેલે હાઈપ્રોફાઈલ ઠગને ઝડપ્યો
આરટીઓ ઇ-ચલણના નામે છેતરપિંડી આચરતા ઠગને ઝડપ્યો.
ઠગની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી

ટેક્નોલોજીના યુગમાં સાયબર ગઠિયાઓ લૂંટ માટે દરરોજ નવી-નવી તરકીબો અપનાવી રહ્યા છે. હાલ સુરત સાયબર ક્રાઈમ સેલે એક એવા શખસની ધરપકડ કરી છે, જેની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે.

સુરત સાયબર ક્રાઈમ સેલે એક એવા શખસની ધરપકડ કરી છે, જેની પ્રોફાઇલ જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલ આરોપી બોદુભાઈ પલેજા માત્ર 16 વર્ષની ઉંમરે નેશનલ લેવલના વેઈટલિફ્ટિંગ એથ્લેટ તરીકે ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યો છે. રમત ગમતમાં દેશનું નામ રોશન કરનાર આ યુવાન હાલમાં આરોગ્ય વિભાગમાં છેલ્લા 13 વર્ષથી ટી.બી. સુપરવાઇઝર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરે છે અને પોસ્ટ ગ્રેજ્યુએટ જેટલું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે. જોકે, આટલી પ્રતિષ્ઠિત પૃષ્ઠભૂમિ હોવા છતાં તે સાયબર ફ્રોડના કાળા કારોબારમાં સંડોવાયો હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ સુરતના એક રત્નકલાકારને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં ‘RTO Chalan’ લખેલી એક APK ફાઇલ હતી. રત્નકલાકારને લાગ્યું કે, કદાચ તેમનું ટ્રાફિક ચલણ ફાટ્યું હશે, જેથી તેમણે જેવી આ ફાઇલ ડાઉનલોડ કરી કે તરત જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. આરોપીઓએ રત્નકલાકારની જાણ બહાર તેમના બેંક એકાઉન્ટમાંથી કુલ 70,379 ટ્રાન્સફર કરી લીધા હતા. છેતરપિંડીનો અહેસાસ થતા જ ભોગ બનનારે 1930 હેલ્પલાઇન અને ત્યારબાદ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી.

પકડાયેલ આરોપી બોદુભાઈ મામદભાઇ પલેજાની ધરપકડ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. જૂનાગઢના મજેવડી દરવાજા વિસ્તારમાં રહેતો બોદુભાઈ શારીરિક રીતે સક્ષમ હોવાની સાથે માનસિક રીતે પણ તેજ હતો. 16 વર્ષની વયે વેઈટલિફ્ટિંગમાં રાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ તેણે અભ્યાસ પૂર્ણ કર્યો અને સરકારી તંત્રમાં આરોગ્ય વિભાગમાં નોકરી મેળવી. પરંતુ વધુ પૈસા કમાવવાની લાલચે તેને ગુનાખોરીના માર્ગે ધકેલી દીધો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, તે છેલ્લા ઘણા સમયથી સાયબર ગેંગ સાથે સંપર્કમાં હતો. આ સાયબર ફ્રોડની પદ્ધતિ ખૂબ જ ખતરનાક છે. આરોપીઓ ‘RTO ચલણ’ કે ‘પીએમ આવાસ યોજના’ જેવા લોકપ્રિય નામ આપીને APK ફાઇલ મોકલે છે. આ ફાઇલ વાસ્તવમાં એક માલવેર હોય છે. જેવી વ્યક્તિ તેને ઇન્સ્ટોલ કરે, એટલે ફોનનો સંપૂર્ણ કંટ્રોલ હેકર્સ પાસે જતો રહે છે. તેઓ તમારા SMS વાંચી શકે છે, જેના કારણે બેંક ટ્રાન્ઝેક્શન માટે આવતો OTP સીધો હેકર્સને મળી જાય છે અને ગ્રાહકને ખબર પણ પડતી નથી કે તેના ખાતામાંથી પૈસા ઉપડી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *