બનાવટી મેડિકલ લાયસન્સની આડમાં નશાનો કારોબાર, એસઓજીનો સપાટો
ભાવનગર એસઓજીએ બનાવટી દસ્તાવેજ મામલે બે આરોપીને ઝડપ્યા
શંકાસ્પદ મેડિકલ લાયસન્સના વેરિફિકેશન દરમિયાન ગેરરીતિનો પર્દાફાશ
મેડિકલ લાયસન્સ માટે રજૂ કરેલું અનુભવ પ્રમાણપત્ર બનાવટી હોવાનું સામે આવ્યું
ભાવનગરમાં બનાવટી મેડિકલ લાયસન્સની આડમાં નશાકારક દવાઓના કથિત કારોબાર સામે એસઓજીપોલીસે મોટી કાર્યવાહી કરી છે. શંકાસ્પદ મેડિકલ લાયસન્સ ધારકોના વેરિફિકેશન દરમિયાન બનાવટી દસ્તાવેજોનો પર્દાફાશ થતાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ભાવનગર SOG પોલીસે નશાકારક અને પ્રતિબંધિત દવાઓના ખરીદ-વેચાણ મામલે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ મેડિકલ પરવાના ધારકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. તપાસમાં અગાઉ બોરતળાવ પોલીસ સ્ટેશનના નાર્કોટિક્સ કેસમાં 1,920 કોડેઈનયુક્ત કફ સીરપની બોટલો સાથે ઝડપાયેલા આરોપી ભાવેશ દુધેલાએ મેડિકલ લાયસન્સ મેળવવા માટે રજૂ કરેલા દસ્તાવેજોમાં ગેરરીતિ હોવાનું સામે આવ્યું હતું. SOGની તપાસમાં ભાવેશ દુધેલાએ પોતાના મેડિકલ લાયસન્સ માટે રજૂ કરેલું શિહોરની ગુરુકૃપા એજન્સીના સહી-સિક્કાવાળું અનુભવ પ્રમાણપત્ર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પાસેથી માહિતી મેળવી તેની ખરાઈ કરવામાં આવતા પ્રમાણપત્ર બનાવટી હોવાનું માલૂમ પડ્યું હતું. આ મામલે પોલીસે ભાવનગરના દેવરાજ નગરમાં રહેતા ભાવેશભાઈ અમોલખભાઈ દુધેલા અને શિહોરના નરેન્દ્રભાઈ અરવિંદભાઈ જોષીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ભાવેશ દુધેલા સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ બે ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. SOG પોલીસના જણાવ્યા મુજબ, નશાકારક કફ સીરપના ગેરકાયદે કારોબાર સામે છેલ્લા પાંચ મહિનામાં કુલ 10 કેસ કરવામાં આવ્યા છે અને આ કેસોમાં કુલ 31 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે..
