ગુજરાતમાં વધી રહેલી નકલીની બોલબાલા
માનવ જીવન સાથે ચેંડા કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ
પુર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો આરોગ્યમંત્રી પાનસેરીયાને પત્ર
ગુજરાતમાં વધી રહેલી નકલીની બોલબાલા વચ્ચે માનવ જીવન સાથે ચેંડા કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્ય અને પુર્વ આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ આરોગ્યમંત્રી પાનસેરીયાને કરી છે.
ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવ જીવન સાથે ચેડા કરી માનવ જીવનને જોખમ ઉભું કરતો પ્રશ્ન છે. ખાદ્યપ્રદાર્થોમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. તો સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી, પનીર, તમાકુ, મેગી મસાલા, મસાલા, તેલ, ઈનો પકડાઈ ચુક્યા ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે. અને નકલી દવા બનાવનારા-વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પ્રદાર્થમાં ભેળસેલ કરનાર સામે કાયદો બનાવાની માંગ કરી હતી. આ ઉપરાંત નકલી ખાદ્યપ્રદાર્થ બનાવનાર-વેચનાર સામે કડક કાયદો બાનવી કડક અમલ કરવા રજૂઆત કરી હતી. કુમાર કાનાણીએ કહ્યું હતુ કે ભેળસેળ કરનારા બેફામ બન્યા છે આ ભેળસેળ કરનારાઓને કોઈનો ડર રહ્યો નથી. લોકોના જીવની કઈ પડી ન હોય તે પ્રકારે ભેળસેળ બેફામ થઈ રહી છે. કુમાર કાનાણીએ કહ્યું આ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો છે. પૂર્વ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃતિઓ રોકવા કાયદો બનાવવાની માંગણી કરી હતી. લાંબા સમયથી આવી રજૂઆત કરતા હોવાનો પણ ઉલ્લેખ પત્રમાં કર્યો હતો.
ભેળસેળ કરનારા માફિયાને ડર લાગે તેવો કોઈ કાયદો નથી જેથી અગાઉ રજૂઆતનું નિરાકરણ ન આવતા ફરી વખત આ બાબતે માંગણી કરી છે. ભેળસેળિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરિયાણા-ડેરી ઉપર વસ્તુનું વેચાણ કરે છે ત્યારે એક્સપર્ટ પણ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર, શ્વાસોશ્વસની તકલીફ, પેટની બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે છે.
