સુરતમાં વધુ એક અંગદાન થકી 5 લોકોને નવજીવન,
59 વર્ષીય ગુણવંતભાઈ સોજીત્રાના અંગોનું કરાયું દાન
સાયકલ ચલાવતી વખતે સર્જાયો હતો અકસ્માત
અકસ્માતમાં ગુણવંતભાઈને માથામાં થઇ હતી ઇજા
ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 24મું અંગદાન કરાવવામાં આવ્યું હતું. સોજીત્રા પરિવારે વૃદ્ધના લીવર, બંને કીડની અને બંને આંખોના દાન કરી પાંચ લોકોને જીવનદાન બક્ષ્યું છે.
સુરતના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલી અને મોટા વરાછા વિસ્તારમાં આવેલા શાંતિનિકેતન ફ્લોરા સોસાયટીમાં 59 વર્ષીય સોજીત્રા ગુણવંતભાઈ સવજીભાઈ પરિવાર સાથે રહે છે. પરિવારમાં એક દીકરો અને બે દીકરી છે. ગુણવંતભાઈ હાલમાં નિવૃત્ત છે. ગત 26 મેના રોજ રાત્રે રામચોક, મોટા વરાછા પાસે સાયકલ ચલાવતી વેળાએ સામાન્ય અકસ્માતમાં બેલેન્સ ગુમાવતા પડી જવાથી દર્દીને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની પી.પી. સવાણી હોસ્પિટલ ખાતે દર્દી બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં પહોંચ્યા હતા, જેથી આઈસીયુ ના સ્પેશ્યાલિસ્ટ ડો.જીગ્નેશ ગેંગડિયા અને ન્યુરોસર્જન ડો. હિતેષ ચિત્રોડા દ્વારા જરૂરી મગજના રિપોર્ટ કરાવ્યાં હતાં. સઘન સારવાર બાદ ડો. જીગ્નેશ ગેંગડિયા, ડો. હિતેશ ચિત્રોડા, ડો. નિરવ સુતરીયા, ડો. અનિલ તંતી અને પુનમ સાવલિયા દ્વારા દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતાં. દર્દીનું અંગદાન થઈ શકે તેમ હોય તે માટે ડૉ. હિતેશ ચિત્રોડા અને ડો.જીગ્નેશ ગેંગડિયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરતના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયાનો સંપર્ક કર્યો હતો. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ પી. પી. સવાણી હોસ્પિટલ ખાતે પહોંચી ત્યાં એકત્ર થયેલ ગુણવંતભાઇ સોજીત્રાના પરિવાર સભ્યો સાથે મળ્યા હતા. ગુણવંતભાઈના દીકરા રિતેશભાઈ, મોટા જમાઈ દિનેશભાઈ દેવાણી,નાના જમાઈ પિયુષભાઈ અમિપરા અને ભત્રીજા નામે નરેશભાઈ બાલુભાઈ સોજીત્રા અંગદાન શા માટે કરવું જોઈએ એ માટે વિસ્તૃતમાં ચર્ચાઓ થઈ અને ગુણવંતભાઇના પરિવારજનોએ અંગદાન માટેની તેયારી બતાવી કારણ કે, એમના પરિવારમાં સને 2016માં દાદા- દાદી નામે સવજીભાઈ લક્ષ્મણભાઈ સોજીત્રા અને જમનાબેન સવજીભાઈ સોજીત્રાનું “જીવતા જગતિયું” ધામધૂમથી કરીને ઉમદા વિચાર પરિવાર અને સ્નેહીજનોમાં સ્થાપ્યો અને દેહદાન નો સંકલ્પ કર્યો હતો. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા પી. પી. સવાણી હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો અને નોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, પી. પી. સવાણી હોસ્પિટલ તથા સોજીત્રા પરિવારના સંયુક્ત પ્રયાસોથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પરિવારના અંગદાનના સંકલ્પ અને વિચાર થકી લીવર, બંને કીડની અને બંને આંખોના દાન દ્વારા અન્ય પાંચ લોકોને જીવનદાન મળ્યું હતું. સુરત ખાતે લીવર, અમદાવાદ ખાતે બંને કીડની તેમજ બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુબેંક ડો. પ્રફુલ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન, સુરતનાં પ્રયાસોથી 24મું અંગદાન કરાવવામાં આવ્યું હતું. જેના થકી અન્ય પાંચ લોકોનાં જીવન દીપી ઉઠ્યા છે.
