અસામાજિક તત્ત્વોને પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી માફી મંગાવી
ત્રણ આરોપીઓ ખંડણી માટે છરી બતાવી હુમલો કર્યા
હુમલો કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
સુરતના ચોકબજાર પોલીસ મથક વિસ્તારમાં ત્રણ આરોપીઓ ખંડણી માટે છરી બતાવી હુમલો કરતા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા આ મામલે પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી માફી મંગાવી હતી.
તારીખ 16 એપ્રિલ, 2025ના સાંજે ફરિયાદી પાર્થ એપાર્ટમેન્ટ બહાર એક મિત્ર સાથે ઊભો હતો. તેનો મિત્ર એપાર્ટમેન્ટ માટે ઉઘરાવેલા 6000 રૂપિયા સાથે હાજર હતો. એ સમયે એક એક્ટિવા પર ત્રણ શખ્સો આવ્યા અને પૈસાની વધુ ખંડણીની માંગણી શરૂ કરી. ફરિયાદી દ્વારા વધુ રૂપિયા આપવાનો ઇનકાર કરાતા દિપક કુટેકરે છરી બતાવી હુમલો કર્યો હતો, જેમાં ફરીયાદી ડાબા હાથમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેની એક આંગળી પણ કપાઈ ગઈ હતી. ત્રણેય આરોપીઓ મહિલાઓ અને બાળકો રહેલી સોસાયટીમાં ખુલ્લેઆમ આવીને ધમકીભર્યા શબ્દોમાં કહેતા હતા કે, “હવે જો તને અહીં રહેવું છે તો પૈસા તો આપવા જ પડશે!. જે દર્શાવે છે કે આ ત્રિપુટી એક સંગઠિત ગુનાહિત ગેંગ તરીકે કાર્ય કરી રહી હતી.આ સમગ્ર દૃશ્ય CCTV કેમેરામાં કેદ થતા પોલીસ તરત હરકતમાં આવી હતી. ચોકબજાર પોલીસે પોતાના હ્યુમન નેટવર્ક અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી માત્ર એક જ દિવસમાં ત્રણેય આરોપીઓને પકડી પાડ્યા હતા. તપાસમાં ખુલ્યું કે, મુખ્ય આરોપી દિપક નારાયણ કુટેકર અગાઉ પણ 12થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે. તે સિવાય અન્ય બે સાગીરો પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દિપક સામે I.P.C. કલમ 307 (હત્યાનો પ્રયાસ), 326, 452, આર્મ્સ એક્ટ , એનડીપીએસ અને એટ્રોસીટી એક્ટ સહિતના ગુનાઓ નોંધાયેલા છે. ત્યારે પવન ઉર્ફે કાળીયો સામે રાયોટ્સ, દારૂ તથા હથિયારના ગુનાઓ છે. વન્શ ઉર્ફે બીટ્ટુ પણ છરી વડે હુમલા સહિત ત્રણથી વધુ ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.