આંધ્રપ્રદેશની વિચિત્ર ઘટના સામે આવી છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીનું પોસ્ટર ફાડવા બદલ કૂતરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘરની દિવાલ પર લાગેલા મુખ્યમંત્રીના પોસ્ટરને કૂતરાએ ફાડી નાખ્યું હતું. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો
https://www.facebook.com/hindtvnews/videos/608484018012125
પોસ્ટરને ફાડતા કુતરાનો વીડિયો વાયરલ થયા બાદ મહિલાઓના એક જૂથે વિજયવાડામાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વિપક્ષી તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના કાર્યકર દશારી ઉદયશ્રીએ કટાક્ષ કરીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મહિલાઓના જૂથે મુખ્યમંત્રીનું અપમાન કરવા બદલ કૂતરા અને તેની પાછળના લોકો સામે પગલાં લેવાની માંગ કરી હતી.
ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીના સન્માનમાં કૂતરાએ ગુસ્તાખી કરી છે. તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કૂતરાને તેના ગુનાની સજા મળવી જોઈએ. તેણે પોલીસને કૂતરાને પકડીને જેલમાં મોકલવાની માંગણી પણ કરી છે.
વાયરલ વીડિયોમાં કૂતરો પહેલા પોસ્ટરને સુંઘે છે અને પછી તેને દાંત વડે પકડીને ફાડવા પ્રયત્ન કરે છે. પોસ્ટર મોઢામાં નહીં આવતા કૂતરો બંને પગ દિવાલ પર મૂકે છે અને પોસ્ટર પર નખો મારી દાંતથી પકડીને ઉખાડી નીચે ફેંકી દે છે.
નોંધનીય છે કે મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડી આંધ્ર પ્રદેશમાં ‘જગનન મા ભવિષ્યથુ’ નામનો નવો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. ‘જગન મા ભવિષ્યથુ’ એટલે જગન અન્ના આપણું ભવિષ્ય છે. આ માટે સમગ્ર રાજ્યમાં YSRCP દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે અને આ કાર્યક્રમ સંદર્ભે પોસ્ટર પણ લગાવવામાં આવ્યા હતા.