નવું વર્ષ 2023 ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી માટે ખૂબ જ ખરાબ સાબિત થયું છે. અમેરિકન શોર્ટ સેલર કંપની હિંડનબર્ગે જાન્યુઆરીના અંતમાં અદાણી ગ્રુપનો રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો હતો જેમાં અદાણી જૂથ પર શેરબજારમાં મોટાપાયે ગડબડીનો આરોપ મુક્યો હતો જેને પગલે ભારતીય શેરબજારમાં અદાણીની કંપનીઓના શેરમાં સુનામી આવી હોય તેમ કડાકા બોલ્યા હતા. કંપનીઓના શેરોમાં એટલો ઘટાડો થયો કે ગ્રુપની માર્કેટ કેપ પહેલી વખત 100 અબજ ડોલરની નીચે પહોંચી ગઈ અને અદાણી વિશ્વના ટોચના અમીરોની યાદીમાંથી ગણતરીના દિવસોમાં જ ચોથા સ્થાનેથી 34માં ક્રમે આવી ગયા. અમેરિકન કંપની હિંડનબર્ગનો પ્રભાવ હજુ પણ અદાણીના શેરો ઉપર દેખાઈ રહ્યો છે છતાં દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીનો અદાણી ગ્રુપમાં ભરોસો યથાવત રહ્યો છે. LIC એ અદાણીના ચાર શેરમાં પોતાનો હિસ્સો વધાર્યો છે.
ભારત સરકારના કંટ્રોલની LIC એ ગૌતમ અદાણીની કંપનીઓમાં હિસ્સો વધાર્યો છે. જ્યારે કંપનીના શેરના ભાવમાં અડધાથી વધુનો ઘટાડો થયો ત્યારે માર્ચ ક્વાર્ટરમાં અદાણી એન્ટરપ્રાઈઝના વીમા કંપનીએ 3.57 લાખ શેર ખરીદ્યા હતા. આ ખરીદી પછી અદાણી એન્ટરપ્રાઇઝમાં એલઆઈસીનો હિસ્સો વધીને 4.26 ટકા થયો છે જે ડિસેમ્બર 2022 માં 4.3 ટકા હતો. એલઆઈસીએ માત્ર અદાણી એન્ટરપ્રાઇઝમાં જ નહીં પરંતુ માર્ચ ક્વાર્ટરમાં અદાણી ગ્રુપની વધુ ત્રણ કંપનીઓમાં પણ હિસ્સો વધાર્યો છે. જેમાં અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન અને અદાણી ટોટલ ગેસનો સમાવેશ થાય છે. જો કે આ દરમિયાન કેટલીક કંપનીઓમાં વીમા કંપનીનો હિસ્સો પણ ઘટ્યો છે.

એલઆઈસીએ અદાણી પોર્ટ્સ સિવાય ગૌતમ અદાણીની સિમેન્ટ કંપનીઓ એસીસી અને અંબુજા સિમેન્ટમાં હિસ્સો ઘટાડ્યો છે. અદાણી ટ્રાન્સમિશનમાં એલઆઈસીનો હિસ્સો 3.65 ટકાથી વધી 3.68 ટકા – અદાણી ગ્રીનમાં 1.28 ટકાથી વધી 1.35 ટકા અને અદાણી ટોટલ ગેસનો હિસ્સો 5.96 ટકાથી વધીને 6.02 ટકા થયો છે. તેની સામે હવે અદાણી પોર્ટ્સમાં એલઆઈસીનો હિસ્સો ઘટીને 9.12 ટકા થઈ ગયો છે જે ડિસેમ્બર 2022ના અંત સુધીમાં 9.14 ટકા હતો. અંબુજા સિમેન્ટ્સનો હિસ્સો 6.33 ટકાથી ઘટીને 6.29 ટકા અને એસીસીમાં 6.41 ટકાથી ઘટીને 5.13 ટકા થયો છે. જાન્યુઆરી 2023 સુધીમાં અદાણી ગ્રુપમાં LIC એ કર્યું 30,127 કરોડનું રોકાણ હતું.
