સુરતમાં આગના વધી રહેલા બનાવો
જહાંગીરાબાદ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગી આગ
ભરનિદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરીમાં ગયો
ફાયરે રેસ્ક્યુ કરી ચાર લોકોના જીવ બચાવ્યા
સુરતમાં આગના વધી રહેલા બનાવો વચ્ચે જહાંગીરાબાદ વિસ્તારમાં એપાર્ટમેન્ટના ત્રીજા માળે લાગેલી આગને લઈ ભરનિદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરીમાં ગયો હતો જ્યાંથી ફાયરે રેસ્ક્યુ કરી ચાર લોકોનુ રેસ્ક્યુ કર્યુ હતું.
જહાંગીરાબાદ ખાતે આવેલ વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે 302 નંબરના ફ્લેટમાં 48 વર્ષીય વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની અને બે પુત્ર છે. આજે શુક્રવાર 18 જુલાઈએ વહેલી સવારે 03.26 કલાકે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેથી આખો પરિવાર ઘરની બહાર ન નીકળી શકતા ગેલરીમાં ફસાઈ ગયો હતો. વૈષ્ણોદેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો. જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગળ, પાલનપુર અને અડાજણ ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો. આગના કોલની ગંભીરતા પારખીને અડાજણ ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું. ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રેસ્ક્યૂ કામગીરી શરૂ કરી હતી. બી બિલ્ડિંગના 302 નંબરના ફ્લેટમાં ફસાયેલા 4 લોકોને કાઢવાની કામગીરી કરી હતી. ફાયર એન્જીન 302 નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતુ. 35 ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ, માયાબેન વિનોદભાઈ પટેલ, નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલને ત્રીજા માળની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઊતર્યા હતાં અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જો કે ફ્લેટમાં ભારે નુકશાન થયુ હતું.
