વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ પલ્ટુઓનું સપનું રોળાયું

Featured Video Play Icon
Spread the love

વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીમાં પક્ષ પલ્ટુઓનું સપનું રોળાયું
વિસાવદર બેઠક પરથી કપાઈ ભૂપત ભાયાણીની ટિકિટ
કિરીટ પટેલને ટિકિટ મળ્યા બાદ ભૂપત ભાયાણીનું નિવેદન
કિરીટ પટેલને જીતાડવા વચન આપ્યું છે એટલે પુરા પ્રયત્ન કરીશ

વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ભાજપે અંતે ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને એક વખત વિસાવદર વિધાનસભા ચૂંટણી લડેલા પરંતુ તેમાં કોંગ્રેસના હર્ષદ રીબડીયા સામે હારનો સામનો કરી ચૂકેલા કિરીટ પટેલને બીજી વખત મેદાને ઉતાર્યા છે. ત્યારે આ સીટમાં મજબૂત દાવેદારી કરી રહેલા બંને પક્ષ પલ્ટુ પૂર્વ ધારાસભ્યોના સપના રોળાતા પેટમાં તેલ રેડાયું છે છતાં હસતા મોઢે કિરીટ પટેલની ઉમેદવારીને આવકારી છે

વિસાવદર વિધાનસભા બેઠક માટે ભારે કશ્મકશ અને ખૂબ જ મનોમંથન બાદ ભાજપ સેન્ટ્રલ લીડરશીપ ફરી એક વખત કિરીટ પટેલની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડવા માટે ઉમેદવાર તરીકે પસંદગી કરી છે. ત્યારે વિસાવદર વિધાનસભા બેઠક પર ઉમેદવાર બનવાનું પક્ષ પલ્ટુ પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડીયા અને ભુપત ભાયાણીનું સપનું રોળાયું છે. 2022 ની વિધાનસભાની સામાન્ય ચૂંટણી પૂર્વે જ હર્ષદ રિબડીયા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદ સામાન્ય ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતર્યા હતા. જોકે, તેમનો એકદમ નવા અને પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ભુપત ભાયાણી સામે પરાજય થયો હતો. આ સીટ માટે મીટ માંડીને બેઠેલા બંને પૂર્વ ધારાસભ્યોના સપના રોળાયા છે છતાં ભુપત ભાયાણીએ કિરીટ પટેલની ઉમેદવારીને આવકારતા વાહવાહી કરવી પડી રહી છે

અગાઉ આપ પાર્ટીમાંથી ચૂંટણી જીત્યા બાદ ભુપત ભાયાણીનું હૃદય પરિવર્તન પણ કેસરિયા રંગે થયું અને તેમણે પણ ધારાસભ્ય અને પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં કેસરિયા કરી લીધા. ત્યારથી લઈને અત્યાર સુધી ચર્ચા એવી વાત ચાલી હતી કે ભુપત ભાયાણી, હર્ષદ રિબડીયા અને કિરીટ પટેલ વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ત્રણ મજબૂત દાવેદાર છે. જેમાં હર્ષદ રીબડીયા અને ભુપત ભાયાણીને રાજકીય પછડાટ આપી કિરીટ પટેલ બીજી વખત પાર્ટીના ઉમેદવાર બનવામાં સફળ રહ્યા છે. કિરીટ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બનવાની સાથે જૂનાગઢની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને હાલ જૂનાગઢ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક કે જે જૂનાગઢ, પોરબંદર અને સોમનાથ જિલ્લાને સાંકળતી સૌથી મોટી સહકારી સંસ્થા છે, તેના ચેરમેન તરીકે પણ કામ કરી રહ્યા છે. કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *