નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં ભારે વરસાદ
અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો
નદી ભય જનક સપાટી વટાવી 32 ફૂટ ઉપર પહોંચી
નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે ભારે વરસાદને કારણે ગત રોજ નવસારીના ગણદેવીમાંથી પસાર થતી અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો.
બીલીમોરા પાસે અંબિકા નદીનું ભય જનક સપાટી વટાવી 32 ફૂટ ઉપર પહોંચી હતી. રૌદ્ર રૂપ ધારણ કરેલી અંબિકા બીલીમોરા અને અમલસાડને જોડતા મેજર પુલની એકદમ લગોલગથી વહેવા માંડી હતી. વર્ષો થતા પુલની આવરદા પણ પતવા આવી છે, ત્યારે જૂના પુલની બાજુમાં જ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવા પૂલનું નિર્માણ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગત રોજ રૌદ્ર બનેલી અંબિકાએ કિનારાની જમીનનું મોટા પ્રમાણમાં ધોવાણ કર્યું હતું. જેમાં અમલસાડ તરફના એપ્રોચની નીચે પણ જમીનનું ધોવાણ થવાને કારણે પુલના ઉત્તર છેડે પૂર્વ તરફ નાનું ગાબડું પડ્યું હતું. જેની જાણ થતા ગ્રામજનોએ રાજ્ય માર્ગ મકાન વિભાગ સાથે સ્થાનિક તંત્રને પણ જાણ કરી હતી. ગાબડું પડ્યાનું જાણતા માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ગાબડા સાથે સમગ્ર પૂલનું નિરીક્ષણ કરી સમારકામ શરૂ કર્યું હતું.
પુલના નીચે એપ્રોચની માટીનું ધોવાણ થયું હોવાનું ધ્યાને આવતા વિભાગે પુલ ઉપર બનેલ રસ્તો ખોદી કાઢી નીચે એપ્રોચના ભાગમાંથી માટીનો ભાગ ખુલ્લો કરી, એમાં યોગ્ય પ્રમાણમાં માટી પુરાણ કરીને પછી રોડ બનાવીને સાંજ સુધીમાં પુલ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
