રાજ્યમાં કાળઝાળ ગરમીનો કહેર વધી ગયો છે. મંગળવારના રોજ 9 શહેરોમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રીથી વધારે નોંધાયું હતું. ગરમ – સૂકા પવનના લીધે તાપમાનમાં ખુબ જ વધારો થયો છે ત્યારે હજુ 24 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. રાજ્યમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. તા.14 અને 15 એપ્રિલના રોજ અમદાવાદમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. પરંતુ વરસાદની આગાહીને કારણે જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો છે.
હવામાન વિભાગે જણાવતા કહ્યું છે કે સાઈક્લોનિક સર્ક્યુલેશનથી તા.13 અને 14 એપ્રિલના રોજ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. તા.12 એપ્રિલના રોજ ભરૂચ – સુરત – અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. તા.13 એપ્રિલના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની શક્યતા છે. સાથે જ સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તા.14 એપ્રિલના રોજ વલસાડ, સુરત, નવસારી, સુરત, અમરેલી, ભાવનગર, દમણ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો નોંધાયો છે. સોમવારના રોજ 17 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીએ પહોંચ્યા પછી ગઈકાલે તાપમાનમાં સરેરાશ એકથી બે ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અમદાવાદમાં પણ તાપમાન 41 ડિગ્રી વટાવી ગયું હતું.
અમદાવાદ શહેરમાં આકરી ગરમી પડતા અમદાવાદીઓને આગામી અઠવાડિયા દરમિયાન 40 થી 41 ડિગ્રી વચ્ચે શેકાવું પડશે. હવે આખો દિવસ આકરો તાપ રહેતો હોઈ બપોરના સમયે સન્નાટો છવાઈ જાય છે. લોકો આકરા તાપથી બચવા કામ સિવાય ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ સાંજ પડતાની સાથે લીબું પાણી – શેરડીનો રસ અને બરફના ગોલા ખાઈને લોકો ઠંડક મેળવી રહ્યા છે. ગરમી વચ્ચે માવઠાના વધુ એક રાઉન્ડની સંભાવનાથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. માર્ચ મહિનામાં ઉનાળામાં ચૉમાસા જેવો ઘાટ થતા અનેક જિલ્લામાં માવઠાથી પાક ઉપર અસર પડતા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
હિટવેવ સાથે ફરી માવઠાની આગાહી
