રાજકોટ અમદાવાદ હાઇવે પર પોલીસની હાજરીમાં પશુ માલિકોની દાદાગીરી
ઢોરપાર્ટીએ પકડેલા પશુઓને વાહનમાંથી પશુ માલિકોનું ટોળું છોડાવી ગયું
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરનું સ્પષ્ટ નિવેદન
રાજકોટ શહેરમાં રખડતા પશુઓને પકડવાની મનપાની કામગીરી દરમિયાન ફરીવાર પશુ માલિકોની દાદાગીરી સામે આવી છે.
રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલા મેંગો માર્કેટ પાસે મનપાના ઢોર પકડતા સ્ટાફે પકડેલા 5 જેટલા પશુઓને, આશરે 20 થી 25 જેટલા લોકોનું ટોળું બળજબરીથી છોડાવી ગયું હતું. સમગ્ર ઘટના પોલીસ અને વિજિલિયન્સ સ્ટાફની હાજરીમાં બની હતી, જેના વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોનાં આધારે હાલ મનપા દ્વારા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, માલધારીઓ દ્વારા જબરદસ્તીથી રખડતા ઢોરને છોડાવવામાં આવ્યા છે, જે જરાપણ યોગ્ય નથી. સમગ્ર મામલે નિયમ મુજબ કોઈપણ વ્યક્તિને છોડવામાં નહીં આવે. કોઈપણ વ્યક્તિ મહાનગરપાલિકાની કામગીરીમાં અડચણ સર્જે તે ચલાવી લેવામાં નહીં આવે. આ મામલે ફોજદારી રાહે કાર્યવાહી કરવાના આદેશો પોતે આપ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. રાષ્ટ્રપતિનો કાફલો રાજકોટ આવવાનો હોવાથી તેના રૂટ પરથી રખડતા પશુઓને હટાવવાની કામગીરી મનપા દ્વારા હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીના ભાગરૂપે મેંગો માર્કેટ પાસે રોડ પરથી પાંચ પશુઓને પકડીને મનપાની ખાસ વાનમાં ભરવામાં આવ્યા હતા. દરમિયાન, કાર અને બાઈકમાં આવેલા 20થી 25 જેટલા પશુ માલિકોના ટોળાએ મનપાના સ્ટાફને ઘેરી લીધો હતો. વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, આ લોકોએ બળજબરીપૂર્વક ઢોર પકડવાની વાનનો દરવાજો ખોલાવ્યો હતો. ટોળાના એક સભ્યે તો વાન પર ચઢીને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે નીચે ઉભેલા અન્ય લોકો પોલીસ અને મનપાના સ્ટાફ સાથે દલીલબાજી કરી રહ્યા હતા. આખરે, ટોળાએ દાદાગીરી કરીને પકડાયેલા તમામ ઢોરને પોલીસ-વિજિલિયન્સ સ્ટાફની હાજરીમાં છોડાવી લીધા હતા….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
