અમરેલી શહેર નજીક 1883 માં સ્થપાયેલી ઈશ્વરીયા પ્રાથમિક સ્કૂલ
પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા’ યોજના હેઠળ સુવિધાઓથી સજ્જ
શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી
હવે સરકારી શાળાઓ પણ અપડેટ થઈ રહી છે. તેમજ સરકારી શાળાના શિક્ષણમાં સુધારો થઈ રહ્યો છે. અનેક એવી શાળા છે જેમાં ભણવા માટે બાળકોને લાઇન લાગે છે. આવી જ એક સરકારી શાળા અમરેલી જિલ્લાના ઈશ્વરીયા ગામમાં આવેલી છે. ગામડાની શાળામાં અમરેલી શહેરમાંથી બાળકો અભ્યાસ માટે આવે છે.
અમરેલી જિલ્લાની અંદર આવેલ ઈશ્વરીયા ગામની પ્રાથમિક શાળાએ આજે સમગ્ર જિલ્લામાં અનોખી ઓળખ મેળવી છે. સામાન્ય રીતે સરકારી શાળાઓ અંગે લોકોની માન્યતા એ રહી છે કે ત્યાં અભ્યાસનું સ્તર નબળું હોય છે, સુવિધાઓ ઓછી હોય છે અને બાળકોને યોગ્ય માર્ગદર્શન મળતું નથી. પરંતુ ઈશ્વરીયા ગામની આ પ્રાથમિક શાળાએ એ તમામ માન્યતાઓને ખોટી સાબિત કરી દીધી છે. આજે આ શાળામાં માત્ર ઈશ્વરીયા ગામ જ નહીં, પરંતુ અમરેલી શહેર સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે આવે છે. આ વાત એનો પુરાવો છે કે સરકારી શાળાઓ પણ યોગ્ય પ્રયત્ન, સંચાલન અને શિક્ષકોના શ્રેષ્ઠ કાર્યથી ખાનગી શાળાઓને ટક્કર આપી શકે છે. બીજી તરફ અમરેલી શહેરની વિદ્યાર્થીની ગઢાદરા રિદ્ધિનો અનુભવ પણ અનોખો છે. તેઓ પોતે શહેરમાં રહેતાં હોવા છતાં દરરોજ ઈશ્વરીયા ગામે આવી અભ્યાસ કરે છે. તેમની સાથે અમરેલી શહેરની અનેક છોકરીઓ અને છોકરાઓએ પણ ખાનગી શાળાઓ છોડીને ઈશ્વરીયા પ્રાથમિક શાળાની પસંદગી કરી છે. રિદ્ધિના જણાવ્યા મુજબ, શાળાની અંદરનું વાતાવરણ ખૂબ જ ઉત્તમ છે. શિક્ષકો વિદ્યાર્થીઓને પરિવારના સભ્યની જેમ માર્ગદર્શન આપે છે. અભ્યાસમાં આનંદ આવે છે અને સ્પર્ધાત્મક વાતાવરણ હોવા છતાં મિત્રતા અને સહકારનું માહોલ ટકાવી રાખવામાં આવ્યું છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
