વેસુ માંથી વેપારીનું અપહરણ,
ફાર્મહાઉસ લઈ જઈ એક કરોડની માંગણી
અપહરણના સીસીટીવી સામે આવ્યા
પૈસાની લેતીદેતીના મામલે અપહરણ કરાયું
સુરત: શહેરના વેસુ વિસ્તારના રહેવાસી વેપારી રોહિતભાઈનું ૧૯મી જુલાઈની મધ્યરાતે અજાણ્યા ઈસમોએ ઇનોવા કારમાં અપહરણ કર્યું હતું. આ ઘટના રાતના આશરે ત્રણ વાગ્યે બની હતી, જ્યારે રોહિતભાઈ તેમના ઘરે હતા ત્યારે કેટલાક શખ્સોએ બળજબરીથી તેમને કારમાં બેસાડી લઈ ગયા હતા.
અપહરણકારો રોહિતભાઈને એક ફાર્મ હાઉસ પર લઈ ગયા, જ્યાં તેમની સાથે મારામારી કરવામાં આવી હતી અને એક કરોડ રૂપિયાની ખંડણીની માંગણી પણ કરવામાં આવી હતી. આપત્તિની ઘડીમાં રોહિતભાઈની પત્નીએ તરત જ પોલીસને જાણ કરી હતી અને એસીપી વી.આર. મલ્હોત્રાની આગેવાની હેઠળ એક ટીમ રવાના કરવામાં આવી હતી. જ્યારે અપહરણકારોને પોલીસના દાવપેચની ખબર પડી, ત્યારે તેઓ ફરાર થઈ ગયા. ત્યારબાદ પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અપહરણ થયેલા રોહિતભાઈને સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યા હતા. અપહરણ દરમિયાન આરોપીઓએ રોહિતભાઈ પાસેથી રોકડા એક લાખ રૂપિયાની રકમ પણ લીધાની માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ આખું અપહરણ પૈસાની લેતીદેતીના વિવાદને લઈને થયું હતું. હાલ સીસીટીવી ફૂટેજ ના આધારે પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર મામલે આગળની તપાસ ચાલું છે.
