સુરતની બે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વેસુમાં આવેલી જીડી ગોએન્કા અને લેન્સર આર્મી સ્કુલને મળી ધમકી
ઈમેઈલ દ્વારા બૉમ્બ થી ઉડાવી દેવાની ધમકી
સુરતના વેસુ ખાતે આવેલી જીડી ગોએન્કા અને પીપલોદની લેન્સર આર્મી સ્કુલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈમેઈલ મળતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ડોગ સ્કવોર્ડ અને બોમ્બ સ્કવોર્ડની મદદથી સ્કુલોમાં તપાસ કરી હતી.
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી જી.ડી.ગોએન્કા સ્કૂલ અને પીપલોદમાં આવેલી લેન્સર આર્મી સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેલ મળ્યો છે. ધમકી મળતા જ જી.ડી.ગોએન્કા સ્કૂલના વિદ્યાર્થીઓને તાત્કાલિક સ્કૂલમાંથી રજા આપી દેવાઈ છે. આ સાથે પોલીસને જાણ કરતા જ તાત્કાલિક સ્થાનિક પોલીસ સાથે એસીપી, ડીસીપી, એસઓજી, પીસીબી સહિતનો પોલીસ કાફલો સ્કૂલે પહોંચી ગયો છે. હાલમાં ડોગ-સ્કવોડ અને બોમ્બ-સ્ક્વોડની મદદથી સ્કૂલમાં તપાસ કરાઈ રહી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે એક સાથે 159 સ્કૂલોને ધમકીભર્યો મેલ આવ્યો છે. જેમાં સુરતની બે શાળા છે. આઉટજેકેડ ફીફ્ટી એટ જીમેઈલ ડોટ કોમ પરથી સ્કૂલને રાત્રે 12:59 વાગ્યે ધમકીભર્યો મેલ મળ્યો છે. તો આ અંગે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું કે રાત્રે 12.59 વાગ્યે ભારતના વિવિધ શહેરોની 159 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં સુરતની પણ બે સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો છે. ધમકી મળતા જ સ્કૂલને તાત્કાલિક ખાલી કરાવી દેવાઈ છે. સાથે જ બોમ્બ સ્કવોડથી તપાસ કરાઈ રહી છે. સમગ્ર મામલે સાયબર સેલ દ્વારા તપાસ કરાઈ રહી છે.
