સુરતમાં યુવાનના ઘરેથી મિત્રએ જ લાખોની ચોરી કરી
ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો
કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રને ઝડપી પાડી
સુરતના કતારગામ ખાતે રહેતા યુવાનના ઘરેથી મિત્રએ જ લાખોની ચોરી કર્યા બાદ તે રૂપિયા ગોવામાં ઉડાવી નાંખ્યા હતાં. બનાવને લઈ કતારગામ પોલીસે ગુનો નોંધી આરોપી મિત્રને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
કતારગામમાં ધોળકિયા ગાર્ડન પાસે કુંભારવાડ ફળિયામાં પુરુષોત્તમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વિવેક ગીતેશભાઇ કંચનવાલા પાલિકાના કતારગામ ઝોનમાં કલાર્ક છે. તેમના પત્ની હિરલબેન પણ કતારગામ ઝોનમાં કલાર્ક છે. પ્લોટ વેચાણના અને પગારની બચતના મળી 11 લાખ બેડના ખાનામાં મૂક્યા હતા. જેમાં 500ના દરના 22 બંડલો હતો. બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની 12 ગ્રામની ચેઈન અને 3 ગ્રામનું સોનાનું પેન્ડન્ટ હતું. ગત 27મી જુલાઇએ બેડમાં તપાસ કરતા 11 લાખ અને ઘરેણાં મળ્યા ન હતા. ઘરમાં વિવેકનો મિત્ર કેયૂર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા રાખી તેને કોલ કર્યો ત્યારે કેયૂરે ગોવા હોવાની વાત કરી રોકડ-દાગીના મામલે ગોળ-ગોળ જવાબો આપ્યા હતાં. આખરે કેયૂરની સામે ફરિયાદ કરાતાં પોલીસે કતારગામ બાલાશ્રમ સ્કુલ પાસે હનુમાન મહોલ્લામાં રહેતા કેયૂર ઉર્ફે લાલુ શૈલેષ પટેલની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે કેયૂર ઐયાશ જીવન જીવે છે. મિત્રના ઘરમાં લાખોનો હાથફેરો કરી તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો. ગોવામાં કેશિનો, પબમાં શરાબ-શબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હતાં.
