રાજકોટ ખોડલધામ સંગઠનના અધ્યક્ષ અનાર પટેલે આપ્યું નિવેદન
મારા ઉપર વિશ્વાસ મૂક્યો તે ક્યારેય ડગવા નહીં દઉં
મત ભેદ હોય શકે પણ મન ભેદ ન હોવો જોઈએ
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેનનાં દીકરી અનાર પટેલ હવે ખોડલધામનાં સર્વેસર્વા થઈ ગયા છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નવી પોસ્ટ ઊભી કરી અનાર પટેલને આખું સંગઠન સોંપી દીધુ છે
રાજકોટના કાગવડ સ્થિત લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આજે 21 જાન્યુઆરીના એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ખોડલધામ ખાતે યોજાયેલી ‘કન્વીનર મીટ 2026’ દરમિયાન ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં પુત્રી અનાર પટેલને ખોડલધામ સંગઠનનાં અધ્યક્ષ તરીકે જાહેર કર્યાં હતા. હવે ખોડલધામના સંગઠનને લગતાં તમામ પાયાનાં કામકાજની ધુરા અનાર પટેલના શિરે રહેશે. હવે અનાર પટેલ ગામે ગામે જઈ ખોડલધામને મજબૂત કરશે અને ખોડલધામ સંગઠનને ઘર-ઘર સુધી પહોચાડશે. ઉલ્લેખનીય છે કે 2027ની વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે ગુજરાતના બદલાતા રાજકીય અને સામાજિક સમીકરણોએ પાટીદાર સમાજની સાથે સાથે રાજકીય વર્તુળોમાં પણ હલચલ મચાવી દીધી છે
ખોડલધામ સંગઠન કન્વીનર મીટ 2026ના કાર્યક્રમમાં ચેરમેન નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રોટોકોલ તોડીને નિર્ણય કરવો પડી રહ્યો છે અને મને વિશ્વાસ છે કે આ જાહેરાત જેના નામની થશે તે ગુજરાતમાં ગૌરવ જરૂર અપાવશે. ખોડલધામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવે છે. ગુજરાતમાં ખોડલધામના કુલ 11 ઝોન છે જે પૈકી અમદાવાદ ઝોનમાં 3 અધ્યક્ષની સમિતિ બનાવવામાં આવી છે તેમાં પરષોત્તમભાઈ ઢેબરિયા, કનુભાઈ કોઠીયા અને વિઠ્ઠલભાઈ સાવલિયાની નિમણૂક કરવામાં આવી છે જે અમદાવાદનો કાર્યભાળ સંભાળશે. આ જ રીતે અમરેલી કે જે લેઉવા પાટીદાર સમાજનું પાટનગર છે, અમરેલી જિલ્લાના ઝોન અધ્યક્ષ તરીકે બાવકુ ઉંધાડની નિમણૂક કરવામાં આવી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
