સુરતમાં આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો
સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ રાજસ્વી સન્માન સમારોહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર
સુરતમાં શનિવારે સમસ્ત લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહ પૂર્વે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેવાના છે. જોકે, આ ભવ્ય કાર્યક્રમના આયોજન વચ્ચે જ આમ આદમી પાર્ટીએ સતત બીજા દિવસે પોતાનો વિરોધ ચાલુ રાખીને શહેરભરમાં લાગેલા સન્માન સમારોહના પોસ્ટરો પર પોતાના વિરોધ દર્શાવતા બેનરો લગાવી દીધા છે, જેનાથી વિવાદ વધુ વકર્યો છે.
આમ આદમી પાર્ટી દ્વારા સુરતમાં લેઉવા પાટીદાર સમિતિ દ્વારા આયોજિત રાજસ્વી સન્માન સમારોહનો વિરોધ કર્યો હતો અને આપ દ્વારા લગાવવામાં આવેલા બેનરોમાં સીધો આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ભાજપના મંત્રીઓ પાટીદાર સમાજના નામે માત્ર પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. વિરોધ પક્ષે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર મોટી અને ચૂનો લગાવતી કંપનીઓના કરોડો રૂપિયાના ટેક્સ માફ કરી શકે છે, તો પછી દાન અને સહકારથી ચાલતી પાટીદાર સમાજની હોસ્ટેલ પાસેથી 3 કરોડ જેટલી માતબર રકમ પેઇડ એફએસઆઈ પેટે કેમ વસૂલવામાં આવી રહી છે? આ બેનરોએ શાસક પક્ષ માટે આજે યોજાનાર કાર્યક્રમ પૂર્વે ક્ષોભજનક સ્થિતિ પેદા કરી છે.
આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર અને બેનરોમાં ખાસ કરીને સરકારની ટેક્સ નીતિ અને ભાજપના નેતાઓ પર પ્રહાર કરતા લખાણો લખવામાં આવ્યા છે જેમાં જણાવાયુ હતું કે પાટીદાર સમાજના નામે પોતાના રાજકીય રોટલા શેકતા ભાજપના મંત્રીઓ, પટેલ સમાજની હોસ્ટેલની પેઇડ એફએસઆઈ રદ કરો, અને ચૂનો લગાડતી કંપનીઓના ટેક્સ માફ કરો છો તો દાનથી ચાલતી સંસ્થાઓના કેમ નહીં ? તેવી માંગ કરાઈ હતી.
