ગુજરાતમાં કમોસમી વરસાદના કહેરથી ખેડૂતો પાયમાલ.
કપાસ, મગફળી, મગ, અડદ સહિતના તૈયાર પાકને મોટું નુકસાન.
મોડી રાતથી સતત વરસાદને લઈ ખેડૂતો ચિંતિત.
રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે કમોસમી વરસાદે ખેતીના પાકને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગણી ઉઠી છે
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશન અને ટ્રફની અસરના ભાગરૂપે શિયાળાના આરંભે ઠંડીના બદલે કમોસમી વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. બેથી બાર ઈંચ સુધી વરસેલા વરસાદથી સૌરાષ્ટ્રના ખેડૂતો પાયમાલ થઇ ગયા છે. ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઇ જવાયા છે. કારતક માસમાં અષાઢી માહોલ જેવી સ્થિતિ સર્જાતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કપાસ અને મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. ગત રાત્રિથી વરસી રહેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. મગફળીના પાથરા પર પણ પાણી ફરી વળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોનું કહેવું છે કે વાવેતર પાછળ કરેલા ખર્ચ અને મજૂરીના પૈસાનો હિસાબ કરવામાં આવે તો પણ તેમને મોટું નુકસાન થશે. હાલ ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં જ્યાં નજર કરો ત્યાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. એક તરફ ખેતરમાં ઊભો પાક અને બીજી તરફ આકાશી આફત, તેમજ વરસાદને કારણે શ્રમિકો પણ કામ પર ન આવતા ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. આ પરિસ્થિતિમાં ખેડૂતો દ્વારા સરકાર તાત્કાલિક સહાય જાહેર કરે તેવી માંગણી ઉઠી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
