દાહોદમાં 50 લોકોના ટોળાએ કર્યો પોલીસકર્મી પર હુમલો
18 લોકોની અટકાયત કરાઈ
ચાકલીયા પોલીસ મથકના ASI સુભાષ નિનામા પર હુમલો કર્યો હતો
50 લોકોના ટોળાએ ASI સુભાષ નિનામા સાથે બોલાચાલી શરૂ કરી હતી
PI સંદીપ વસાવાને જાણ થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા
આમ તો પોલીસ પ્રજાની રક્ષક કહેવાય છે, પણ લોકોને સુરક્ષા પૂરી પાડનાર પોલીસ જવાનની સુરક્ષા સાથે સમાધાન થાય તો. દાહોદમાં 50 જેટલા લોકોના ઉશ્કેરાયેલા ટોળાએ ઝાલોદ ડિવિઝનના ચાકલીયા પોલીસ મથકના ASI સુભાષ નિનામા પર હુમલો કર્યો હતો. જેમાં તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હતા.
દાહોદનો ચોંકાવનારો બનાવ : સમગ્ર મામલા અંગે ચાકલીયા પોલીસ સ્ટેશન PI સંદીપ વસાવાના જણાવ્યા અનુસાર ચાકલીયા પોલીસ મથકની હદમાં પેથાપુર ખાતે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ પોલીસને થતા ફરજ પર રહેલા ચાકલીયા પોલીસ મથકના ASI સુભાષ નિનામા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ASI સુભાષ નિનામાએ મૃતદેહનું પંચનામું સહિતની કાર્યવાહી કરી પેથાપુર સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. જોકે, આગળની કાર્યવાહી દરમિયાન મૃતકના પરિવારજનો સહિતનું ટોળું ત્યાં ધસી આવ્યું હતું.આશરે 50 લોકોના ટોળાએ ASI સુભાષ નિનામા સાથે બોલાચાલી શરૂ કરી હતી. અમને પૂછ્યા વગર મૃતદેહ અહીં કેમ લાવ્યા તેમ કહીને ટોળાએ પોલીસકર્માએ ઉગ્ર બોલાચાલી કરી હતી. બોલાચાલી દરમિયાન ટોળું અચાનક ઉશ્કેરાયું હતું અને લગભગ 50 લોકોના ટોળાએ પોલીસકર્મી પર પથ્થરો, લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરી માર મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલો થતા પોલીસકર્મીના માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવની જાણ ચાકલીયા પોલીસ મથકના PI સંદીપ વસાવાને જાણ થતા તેઓ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઈજાગ્રસ્ત પોલીસકર્મીને તાત્કાલિક ઝાલોદની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ 50 થી વધુ લોકોના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સ્થળ પરથી 18 લોકોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકોને જજ સમક્ષ રજૂ કરતા તમામના 24 કલાકના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. જ્યારે બાકી અન્ય લોકોની શોધખોળ હાથ ધરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે
