સુરતમાં વેડિંગ ઇન્વિટેશન APKથી 10.02 લાખની સાયબર છેતરપિંડી!
લગ્નની કંકોત્રીની APK ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી લાખોની ઠગાઈ!
સુરત સાયબર ક્રાઇમે ઉત્તરપ્રદેશના બિજનૌરથી આરોપી ઝડપી પાડ્યો
સુરતમાં વેડિંગ ઇન્વિટેશન એપીકે ફાઇલ મોકલી મોબાઇલ હેક કરી 10 લાખ 2 હજાર રૂપિયાની છેતરપિંડીના કેસમાં સુરત સાયબર ક્રાઈમ પોલીસે ઉત્તરપ્રદેશના બિજનૌરથી એક આરોપીની ધરપકડ કરી છે.
સુરત સાયબર ક્રાઈમ સેલે 10 લાખથી વધુની સાયબર છેતરપિંડીના કેસમાં યુપીના બિજનોરથી દેવેન્દ્ર દુલાલ મલિક નામના આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપીઓએ ફરિયાદીને વોટ્સએપ મારફતે વેડિંગ ઇન્વિટેશન એપીકે નામની ફાઇલ મોકલી હતી. ફાઇલ ડાઉનલોડ કરાવતા જ મોબાઇલ હેક થયો હતો અને ફરિયાદીના બેંક ખાતામાંથી 10.02 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી લેવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલો આરોપી કમિશનના બદલામાં પોતાનું બેંક એકાઉન્ટ સાયબર ઠગોને આપતો હતો. છેતરપિંડીના રૂપિયા મેળવી ચેક મારફતે રોકડ ઉપાડતો અને તેમાંથી 20 ટકા કમિશન રાખી બાકીના રૂપિયા અન્ય સાગરીતોને પહોંચાડતો હતો. હાલ તો આ મામલે સાયબર ક્રાઈમ સેલે વધુ તપાસ હાથ ધરી છે.
