ભાવનગરમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર આરોપી ઝડપાયા.
મીણબત્તી સર્કલ પાસે બંધ મકાનમાં ચોરી કરનાર ચાર શખ્સો ઝડપાયા.
ભાવનગર શહેરમાં ઘરફોડ ચોરીના બનાવનો લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે… આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના અને મોપેડ સહિત કુલ 3 લાખ 26 હજાર 800 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે… જ્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય એક આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ તેજ કરી છે…
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ વણઉકેલાયેલા મિલકત સંબંધી ગુનાઓની તપાસ કરી રહી હતી… તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે જેલ ગ્રાઉન્ડ પાસે બંધ સરકારી ક્વાર્ટરની બહાર ચાર શખ્સો મોપેડ સાથે સોના-ચાંદીના દાગીનાની વહેંચણી કરી રહ્યા છે…બાતમીના આધારે પોલીસે દરોડો પાડી ચાર શખ્સોને દાગીના અને મોપેડ સાથે ઝડપી પાડ્યા હતા… પૂછપરછ દરમિયાન આરોપીઓએ નવ દિવસ અગાઉ મીણબત્તી સર્કલ પાસે આવેલા બંધ રહેણાંક મકાનની બારીની ગ્રીલ તોડી ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી… પોલીસે અજય પંચાળા, જીગર સોલંકી, ગોપાલ પંચાળા અને સંજય પંચાળાની ધરપકડ કરી સોના-ચાંદીના દાગીના તથા મોપેડ સહિત કુલ 3.26 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે… આરોપીઓ સામે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે… જ્યારે અન્ય એક ફરાર આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે..
