ઓરિસ્સાથી ગુજરાત લવાતો રૂ. 8.91 લાખનો ગાંજો ઝડપાયો
નવસારી એસઓજીની સીસોદ્રા બ્રિજ પાસે કાર્યવાહી
ખાનગી બસમાં મુસાફરોની આડમાં થતી હતી હેરાફેરી
નવસારી નેશનલ હાઈવે-48 પર સીસોદ્રા ઓવરબ્રિજ પાસે કટારિયા શોરૂમ સામેથી પસાર થતી ગુજરાત ટ્રાવેલ્સની ખાનગી બસમાંથી ₹8.59 લાખથી વધુની કિંમતનો 17.187 કિલોગ્રામ ગાંજાનો જથ્થો SOG પોલીસે ઝડપી પાડ્યો છે. અલગ-અલગ બેગમાં ગાંજો સંતાડીને ઓરિસ્સાથી ગુજરાતમાં લાવતા બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ ચંદન કાલુ અને શંકર બિજય ઓરિસ્સાના ગંજામ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે ગાંજા ઉપરાંત 5G મોબાઈલ, રોકડ રકમ અને બેગ સહિત કુલ ₹8,91,970નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં ઓરિસ્સાથી ગાંજો સપ્લાય કરનારા બે શખ્સો તેમજ સુરતમાં ગાંજાનો જથ્થો લેવા આવનાર અજાણ્યો ઈસમ મળી કુલ ત્રણ લોકો વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને ગાંજાની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરવા વધુ તપાસ હાથ ધરી છે.
