સુરતમાં ડિજિટલ ઈન્ડિયાના નામે સિસ્ટમની બેદરકારી
15 હજાર રૂપિયા કમાતા વૃદ્ધને 975 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સ નોટિસ
કથિત રીતે રૂ. 2500 કરોડના હવાલા વ્યવહારો કાગળ પર
સુરતમાં ડિજિટલ ઈન્ડિયાના નામે સિસ્ટમની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દરજીકામ કરીને મહિને માત્ર 15 હજાર રૂપિયા કમાતા વૃદ્ધને 975 કરોડ રૂપિયાની ઈન્કમટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
સુરતમાં રેખરાજ નામના વૃદ્ધ દરજીને આવકવેરા વિભાગ તરફથી 975 કરોડ રૂપિયાની ટેક્સ રિકવરી નોટિસ મળતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. રેખરાજ જે સરનામે રહે છે, તે સરનામે કાગળ પર એક ડાયમંડ કંપની રજિસ્ટર્ડ હોવાનું સામે આવ્યું હતું. એટલું જ નહીં, રેખરાજને આ બોગસ કંપનીના ડિરેક્ટર તરીકે પણ દર્શાવવામાં આવ્યા હતાં. પરંતુ હકીકતમાં આ સ્થળે કોઈ ડાયમંડ કંપની ચાલતી જ નહોતી. અહીં તો એન્જિનિયરિંગ વર્કશોપમાં જરીના મશીન અને બરફના ગોલા બનાવવાના સાધનોના રિપેરિંગનું કામ થતું હતું. મકાન માલિકને કંપની વિશે કોઈ જ જાણકારી નહોતી. તેમ છતાં ભેજાબાજોએ તેમના દસ્તાવેજોનો દુરુપયોગ કરી કાગળ પર કરોડો રૂપિયાના વ્યવહારો ઉભા કર્યા હોવાનો આક્ષેપ છે.
કથિત રીતે રૂ. 2500 કરોડના હવાલા વ્યવહારો કાગળ પર દર્શાવવામાં આવ્યા અને તેના આધારે રેખરાજને રૂ. 975 કરોડની ટેક્સ રિકવરી નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસ મળતા જ વૃદ્ધ રેખરાજે સુરત આવકવેરા વિભાગને ઈ-મેલ મારફતે સમગ્ર હકીકત જણાવી. સાથે જ ઉચ્ચ સ્તરે રજૂઆત કરીને દસ્તાવેજોના દુરુપયોગ અંગે ફરિયાદ પણ નોંધાવી હતી.
