નવસારીમાં ઇસ્કોન સંસ્થા દ્વારા પરંપરાગત જગન્નાથ રથયાત્રા
બપોરે 3 વાગ્યે રેલવે સ્ટેશન ખાતેથી શરુ થઈ રથયાત્રા
યાત્રા સમગ્ર શહેરમાં ફરીને ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થઈ.
નવસારીમાં ઇસ્કોન સંસ્થા દ્વારા પરંપરાગત જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બપોરે 3 વાગ્યે રેલવે સ્ટેશન ખાતેથી ભગવાન જગન્નાથ, બલદેવજી અને સુભદ્રાજીના રથ પ્રસ્થાન થયા હતા. આ યાત્રા સમગ્ર શહેરમાં ફરીને ઇસ્કોન મંદિર ખાતે સંપન્ન થઈ.
નવસારી જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક એસ.કે. રાય અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ દ્વારા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. તેમણે ભગવાનના રથને ખેંચીને યાત્રાની શુભ શરૂઆત કરી હતી. આ ભવ્ય યાત્રામાં હજારો કૃષ્ણ ભક્તો જોડાયા હતા અને ભગવાનના દર્શન કર્યા હતા. રથયાત્રાના સ્વાગત માટે સમગ્ર રૂટ પર ભવ્ય ધજાઓ લગાવીને સુશોભન કરવામાં આવ્યું હતું.
ભગવાન જગન્નાથ માટે છેલ્લા પાંચ દિવસથી ’56 ભોગ’ બનાવવાનો સેવાયજ્ઞ ચાલી રહ્યો હતો. ભક્તો દ્વારા સંપૂર્ણ શુદ્ધતા અને ભક્તિભાવથી આ ભોગ તૈયાર કરવામાં આવ્યો હતો. યાત્રામાં જોડાયેલા 10 હજાર ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.
