ભાવનગરમાં રથયાત્રા પૂર્વે 5000 પોલીસ કર્મીઓ દ્વારા રૂટમાર્ચ.
શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્ત
ભાવનગર ખાતે નીકળનારી ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે પુરતો પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી છે. જેમાં એસપી એ પોલીસ કર્મીઓને સંબોધી રથયાત્રા દરમ્યાન દર્શનાર્થીઓને મદદરૂપ થવા ખાસ અપીલ કરી હતી.તેમજ સાંજે 5.30 કલાકે ચાવડીગેટ થી સંવેદનશીલ વિસ્તારોમાં રથયાત્રા માર્ગ પર રૂટમાર્ચ કર્યું હતું.
અષાઢી બીજના દિવસે સવારે ૮ કલાકે ભાવનગરમાં દેશની ત્રીજા ક્રમની અને રાજ્યની બીજા નંબરની રથયાત્રા નીકળનારી છે. ભગવાનના રથ સહીત સેકડો વાહનો અને ભક્તો સાથે ભગવાન જગન્નાથજીની ૪૧ મી રથયાત્રાનો પ્રારંભ સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી પ્રારંભ થશે. વહેલી સવારે ભગવાનના આંખો પરની પટ્ટીઓ ખોલી, પૂજન અર્ચન કરી ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને રથ પર બિરાજમાન કરી રથયાત્રાનો પ્રારંભ થશે. આ રથયાત્રા પૂર્વે રથયાત્રાના રૂટ પરના સંવેદનશીલ વિસ્તારોમાં આજે કલેકટરે,આઈજી,એસપી સહિતના અધિકારીઓ તેમજ 5000 પોલીસ કર્મીઓ,CISF, SRPF ની ટુકડીઓએ રૂટમાર્ચ કર્યું હતુ. બંદોબસ્તની વાત કરીએ તો રથની જવાબદારી એક ડીવાયએસપી અને બે પીઆઈ ને સોપવામાં આવી છે જયારે ભાવનગરને પોલીસ છાવણીમાં તબદીલ કરતા આજુબાજુના જીલ્લાના ૩૫૦૦ પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં જોડવામાં આવ્યા છે. જેમાં ૧૫ એઅસપી-ડીવાયએસપી,૧૮૦ પીઆઈ-પીએસઆઈ, હથિયારધારી ઘોડેસવારો,મહિલા પોલીસ મળી ૫૦૦૦ પોલીસ કર્મીઓ તેમજ ૬ સી.આર.પી.એફ, સી.આઈ.એસ.એફ ની કંપનીના જવાનો બંદોબસ્તમાં જોડાશે.
જયારે આ રથયાત્રામાં બોડીવોર્ન કેમેરા તેમજ ડ્રોન કેમેરાથી ખાસ નજર રાખવામાં આવશે.તેમજ દૂરબીન સાથેના જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા તેમજ ધાબા પોઈન્ટ પર દુરબીન અને વોકીટોકી તથા રાયફલ સાથે જવાનો બંદોબસ્ત જાળવશે.આ ઉપરાંત સમગ્ર રૂટમાં રથયાત્રા પર ૧૬૦ સીસીટીવી કેમેરાથી તેમજ ત્રણ ડ્રોન દ્વારા તેમજ ૧૨ જેટલા વોચ ટાવર પરથી ચાંપતી નજર રાખવામાં આવશે. તેમજ રથયાત્રા રૂટ પર ૧૦ જગ્યાએ હેલ્પ ડેસ્કનું પણ આયોજન કરવામાં આવેલ છે.જયારે ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા તેમજ પોલીસ બંદોબસ્તમાં સહકાર આપવા અપીલ કરી હતી તેમજ સવારથી અનેક રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે જેથી લોકોએ તેમાં પણ પૂર્ણ સહકાર આપી તેને અનુસરવા અપીલ કરવામાં આવી છે..
