નિઝર વિધાનસભામાં વિકાસની હરણફાળ
રંગાવલી નદી પર બ્રિજ અને ભડભુંજા-લોંજા રોડનું લોકાર્પણ
તાપી જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી જયરામ ભાઈ ગામીત દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. પંચાયત માર્ગ અને મકાન વિભાગ, તાપી દ્વારા નિઝર વિધાનસભા વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ અને લોકઉપયોગી પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવામાં આવ્યા છે. ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને યુદ્ધના ધોરણે તૈયાર કરાયેલા આ કામોથી સ્થાનિક ગ્રામજનો અને વિદ્યાર્થીઓની વર્ષો જૂની મુશ્કેલીઓનો સુખદ અંત આવ્યો છે.
ઉચ્છલ તાલુકાના ભીતબુદ્રક ગામે રંગાવલી નદી પર અંદાજે રૂ. ૨૦૦.૦૦ લાખના ખર્ચે નવનિર્મિત મેજર બ્રિજનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રિજની કુલ લંબાઈ ૮૪ મીટર છે, જેમાં ૧૨ મીટરના ૦૭ સ્પાન બનાવવામાં આવ્યા છે. આ બ્રિજના નિર્માણથી ભીતબુદ્રક ગામના રહીશો માટે ભીતખુર્દ અને હરિપુર ગામ તરફ જવાનો રસ્તો ઘણો ટૂંકો થઈ ગયો છે. અગાઉ લોકોને ૩.૫ કિ.મી.નો લાંબો ચકરાવો કાપવો પડતો હતો, જે હવે ઘટીને માત્ર ૧.૦૦ કિ.મી. થઈ ગયો છે. આ ઉપરાંત, શિક્ષણને પ્રાધાન્ય આપતી સરકારના આ નિર્ણયથી ઉચ્છલ સ્થિત દેવમોગરા સરકારી આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓને પણ ભારે રાહત મળી છે, કારણ કે હવે તેઓ વિના અવરોધે શિક્ષણ મેળવી શકશે. પંચાયત માર્ગ અને મકાન વિભાગની આ સક્રિયતાને કારણે નિઝર વિસ્તારના નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ વિકાસ કાર્યો માત્ર ભૌતિક માળખું નથી, પરંતુ ગ્રામીણ જનજીવનને વધુ સરળ અને સમૃદ્ધ બનાવવાનું માધ્યમ બન્યા છે.
બીજી તરફ, ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામથી લોંજા ફળીયા તરફ જતા ૨.૭૦ કિમી લંબાઈ ધરાવતા માર્ગનું નિર્માણ રૂ. ૩૦૦.૦૦ લાખના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ માર્ગ પર અગાઉ ૦૩ ડુબાઉ અને વર્ષો જૂના કોઝવે આવેલા હતા, જેના કારણે ચોમાસામાં ગ્રામજનોને અવરજવરમાં ભારે અગવડતા પડતી હતી. હવે આ ૦૩ કોઝવેના સ્થાને ૩ નવા આધુનિક બોક્સ કલ્વર્ટ બનાવવામાં આવ્યા છે, જેથી વાહન વ્યવહાર સુરક્ષિત બન્યો છે. આ માર્ગનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે તે મહારાષ્ટ્ર રાજ્યની સરહદને અડીને આવેલો છે. આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી ભડભુંજાના રહીશો માટે લોંજા ફળીયા તેમજ સુપ્રસિદ્ધ દેવમોગરા માતાજીના દર્શને જવું ખૂબ જ સુગમ બન્યું છે. વધુમાં, આ સીધા જોડાણને કારણે સ્થાનિક ખેડૂતો પોતાની ખેત પેદાશોને મહારાષ્ટ્ર અને નજીકના બજારોમાં વધુ સરળતાથી અને ઓછા સમયમાં પહોંચાડી શકશે, જે તેમની આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે
