નવસારીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટનમાં સર્જાયા હાસ્યના ફુવારા.
ભાષણ દરમિયાન પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ મોબાઈલમાં દેખાયા વ્યસ્ત.
સ્ટેજ પર બેસીને શેરબજારના આંકડા જોવામાં હતા મશગૂલ.
નવસારીમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર જિલ્લા પ્રમુખે પૂર્વ ધારાસભ્યને જાહેરમાં મીઠી ટકોર કરી. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જ્યારે પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ મોબાઈલમાં
વ્યસ્ત જણાયા હતા. પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ સ્ટેજ પર બેઠા બેઠા શેરબજાર અને સેન્સેક્સના આંકડા જોવામાં મશગૂલ હતા. ગુજરાતામાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લા-તાલુકા લેવલે દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે નવસારીમાંભાજપના કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે એક અનોખી અને રમુજી ઘટના જોવા મળી હતી. સામાન્ય રીતે રાજકીય કાર્યક્રમોમાં ગંભીર ચર્ચાઓ થતી હોય છે, પરંતુ અહીં જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય વચ્ચેની ‘મીઠી ટકોર’ એ ત્યાં કાર્યક્રમમાં હાજપ લોકોના મોઢા પર સ્મિત લાવી દીધું હતું. સભામાં પ્રવચન આપી રહેલા ભુરાલાલ શાહનું ધ્યાન આ બાબત પર પડતા તેમણે ભાષણ અટકાવ્યા વગર જ રમૂજી અંદાજમાં ટકોર કરી હતી. ભુરાલાલ શાહે ભરી સભામાં જણાવ્યું હતું કે હું અહીં પક્ષની વાતો કરું છું અને પૂર્વ ધારાસભ્ય માર્કેટ જોવે છે, બોલો હવે શું કરવું? જિલ્લા પ્રમુખની આ હાજરજવાબી અને મીઠી ટકોર સાંભળીને આખી સભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. કાર્યકરો ખડખડાટ હસી પડ્યા હતા. આ સાંભળીને પિયુષભાઈ પણ સહેજ ક્ષોભાયા હતા અને સ્મિત સાથે તુરંત જ પોતાનો મોબાઈલ ખિસ્સામાં મૂકી દીધો હતો.
નવસારી જિલ્લા ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે સ્ટેજ પર દિગ્ગજ નેતાઓ બિરાજમાન હતા. જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ જ્યારે માઇક પર પક્ષના આગામી આયોજનો અને સંગઠન વિશે ગંભીર પ્રવચન આપી રહ્યા હતા, ત્યારે સ્ટેજ પર તેમની બાજુમાં જ બેઠેલા પૂર્વ ધારાસભ્ય પિયુષ દેસાઈ પોતાના મોબાઈલમાં મશગૂલ જણાયા હતા. પિયુષભાઈ સ્ટેજ પર બેઠા બેઠા મોબાઈલમાં શેરબજાર અને સેન્સેક્સના આંકડા જોવામાં એટલા મગ્ન હતા કે તેમને કંઈ ખ્યાલ જ ન રહ્યો…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
