જૂનાગઢના જોષીપરામાં 8.39 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો.

Featured Video Play Icon
Spread the love

જૂનાગઢના જોષીપરામાં 8.39 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો.
ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો.
શાંતેશ્વર નજીકથી રીઢો તસ્કર મુકેશ વાઘેલા ઝડપાયો.

જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ પોલીસને પડકાર ફેંકતી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. જોકે, જૂનાગઢ પોલીસે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપતા ગણતરીના 24 કલાકમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે એલસીબીની ટીમે લાખોના મુદ્દામાલ સાથે એક રીઢા તસ્કરની ધરપકડ કરી છે.

જૂનાગઢ શહેરના જોષીપરા વિસ્તારમાં પટેલ સમાજની સામે આવેલ કેશવ-2 એપાર્ટમેન્ટ પાસે રહેતા જયસુખભાઈ ડાયાભાઈ રૂપાપરા ગઈકાલ પોતાના પરિવાર સાથે વધાવી ગામે હવનના પ્રસંગમાં ગયા હતા. આ સમય દરમિયાન તેમનું મકાન બંધ હતું. ધોળા દિવસે તકનો લાભ લઈ અજાણ્યા તસ્કરે મકાનમાં પ્રવેશ કરી રૂમનું તાળું અને ઉપરની ગ્રીલ તોડી અંદર રાખેલ લોખંડના કબાટોમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. શરૂઆતમાં 5.80 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ બાદમાં વધુ 2 લાખની રોકડ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ ગુનામાં મુકેશ ઉર્ફે દડો ઉર્ફે ભરત દિનેશભાઈ વાઘેલા રહે. જૂનાગઢ નામના શખ્સની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં તેની પાસેથી ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ 8,39,000 નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે

ચોરીની ગંભીરમાં ગંભીરતાને ધ્યાને લઈ જૂનાગઢ SP હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. LCB પીઆઈ કુણાલ પટેલ અને તેમની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી હતી. CCTV તપાસતા પોલીસને મહત્વની કડીઓ મળી હતી, જેના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી મુકેશ ઉર્ફે દડો કોઈ સામાન્ય ચોર નથી પરંતુ, એક રીઢો ગુનેગાર છે. તેના વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 12 જેટલા ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 4 ગુના, ભાવનગર જિલ્લામાં 3 ગુના અને અમરેલી જિલ્લામાં 5 ગુનાનો સમાવેશ થાય છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *