ઉત્તરાખંડમાં હારીજના એક જ પરિવારના 12 સભ્યો ફસાયા.
વાદળ ફાટવાની ઘટના બાદ ફસાયા યાત્રિકો.
તમામ સભ્યોનો સંપર્ક ન થતાં પરિવાર ચિંતામાં.
પાટણ જિલ્લામાંથી ચારધામની યાત્રાએ ગયેલા 24 જેટલા યાત્રિક ઉત્તરાખંડમાં ફસાતાં સંપર્કવિહોણા બન્યા છે, જેથી પરિવારજનો ચિંતિત બન્યા છે. હારીજ ખાતે રહેતા પરિવારના સભ્યો સાથે ટૂરના ડ્રાઇવરની વાત થતાં તેઓ ગંગોત્રી સુરક્ષિત હોવાનું જણાય છે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત બન્યો છે.
પાટણ હારીજથી પહેલી ઓગસ્ટે ચારધામની યાત્રા કરવા માટે રાવળ સમાજના સગાંસંબંધીઓનું 12 સભ્યનું ગ્રુપ ટ્રેનમાં રવાના થયું હતું. જ્યારે ચાણસ્મા અને વડાવલીના મળીને 24 જેટલા પ્રવાસીનો ઉત્તરાખંડમાં મંગળવારે વાદળ ફાટવાની ઘટના બાદ મોડીરાતથી સંપર્ક થઈ રહ્યો નથી. તમામ લોકોના ફોન સ્વિચઓફ આવી રહ્યા હોવાથી તેઓ સંપર્કવિહોણા બનતાં હારીજનો રાવળ પરિવાર તેમની ભાળ મેળવવા માટે તંત્રમાં જાણ કરી છે, સાથે જ પરિવારના તમામ સભ્યો ચિંતિત બન્યા છે. પરિવારજનો જણાવી રહ્યાં છે કે અમારે ડ્રાઇવર સાથે વાત થઇ છે, તેમનું કહેવું છે કે બધા સુરક્ષિત છે, પણ પરિવારના સભ્યો જોડે વાત ન થાય ત્યાં સુધી કંઈ કહી ન શકાય. વાદળ ફાટવાની ઘટના અંગે અમને જાણ થતાં સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અમારે તેમના કોઈ સંપર્ક ન થતાં અમે ચિંતાતુર છીએ, છેલ્લે લોકેશન ગંગોત્રીમાં બતાવે છે, પણ સંપર્ક થતો નથી. તમામ લોકો 50 વર્ષથી વધુ ઉંમરના છે. બીજી તરફ ચાણસ્માના વડાવલી ગામના નવ જેટલા પ્રવાસી ફસાતાં પરિવારજનો ચિંતિત છે. આ અંગે ગામના સરપંચ દ્વારા વહીવટી તંત્રને પણ જાણ કરવામાં આવી છે. અહીં પણ પરિવારના સભ્યોની ડ્રાઇવર સાથે વાત થતાં તેઓ સુરક્ષિત હોવાનું જણાવ્યુ છે, પરંતુ પરિવારના કોઈપણ સભ્યનો ત્યાંથી ટેલિફોનિક સંપર્ક ન થતાં પરિવાર હજુ ચિંતિત બન્યો છે. આ અંગે પાટણ નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ જણાવ્યું હતું કે પાટણ જિલ્લાના હારીજ અને
ચાણસ્મા તાલુકામાંથી કુલ 15 જેટલા યાત્રાળુ ઉત્તરાખંડ રાજ્યમાં યાત્રાએ ગયા છે તેના ઉત્તર કાશીના કંટ્રોલરૂમ સાથે અમે સંપર્કમાં છીએ, તેના ટૂર ઓપરેટર સાથે પણ વાતચીત થઈ છે અને તમામ યાત્રાળુઓ સુરક્ષિત છે. તેમના પરિવારનો પણ સંપર્ક કરી તેમનાં પરિવારજનો સહી સલામત છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
