રાજકોટ યાજ્ઞિક રોડ ઉપર છેલ્લાં બે વર્ષથી વાહનવ્યવહાર બંધ
ગણેશ મહોત્સવ પહેલા વોકળાના કામને પૂર્ણ કરાશે
27 ઓગસ્ટ પહેલા યાજ્ઞિક રોડ ખુલ્લો મૂકવામાં આવશે
રાજકોટ શહેરના હૃદયસમા યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક નજીક વોકળાના કામને કારણે છેલ્લાં બે વર્ષથી વાહનવ્યવહાર બંધ હતો. પરંતુ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્વર ચોક નજીક વોકળાના કામને કારણે છેલ્લાં બે વર્ષથી બંધ વાહન વ્યવહારનો માંર્ગ ગણેશ મહોત્સવ પહેલા એટલે કે 27 ઓગસ્ટની પહેલા જ પૂર્ણ કરી યાજ્ઞિક રોડને ફરી ખુલ્લો મૂકવામાં આવનાર હોવાનું મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું છે. આજે રાજકોટ મેયરે સર્વેશ્વર ચોક પર ચાલી રહેલી કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, આ સર્વેશ્વર ચોકના વોકળાનું કામ હવે લગભગ પૂરું થવા આવ્યું છે. બાકી રહેલું 15થી 20 દિવસનું કામ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવશે. 27મી તારીખથી ગણેશ મહોત્સવ શરૂ થવાનો છે, અને અહીં સર્વેશ્વર ચોકમાં ગણપતિની સ્થાપનાથતી હોય અધિકારીઓને યુદ્ધના ધોરણે રાત-દિવસ કામ કરી આ કામ 27 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરવાનાં આદેશો આપ્યા છે. ઉલ્લેખનીય છે કે યાજ્ઞિક રોડ ખુલ્લો મુકાતાં જ શહેરના ટ્રાફિકની સમસ્યામાં પણ મોટો ઘટાડો થશે. આ રોડ ફરી શરૂ થવાથી લોકોને અવરજવર માટે સરળતા રહેશે અને રાજકોટના વિકાસને વધુ વેગ મળશે.
ત્યારે મેયર દ્વારા થયેલી આજાહેરાત રાજકોટવાસીઓ માટે ખુશીનો માહોલ લઈને આવી છે. ગણેશ મહોત્સવની ઉજવણી પહેલા શહેરનો મુખ્ય માર્ગ ફરીથી શરૂ થવાથી લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. ખાસ કરીને આ વિસ્તારના વેપારીઓનાં ધંધા-રોજગાર અગાઉની જેમ ફરી ધમધમતા થવાની આશાએ વેપારીઓ ખુશખુશાલ જોવા મળે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
