સુરત : પ્રસુતિ બાદ અચાનક તબિયત લથડતાં મહિલાનું મોત
મહિલા બીજી ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી
પરિવારને જાણ વગર મૈત્રી હોસ્પિટલના તબીબે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યાનો આક્ષેપ
ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો
સુરતના સચીન વિસ્તારમાં આવેલી મૈત્રૈય હોસ્પિટલમાં ડિલીવરી સમયે 25 વર્ષીય મહિલાનું મોત નિપજતા પરિવાર જનો દ્વારા હોસ્પિટલના તબીબો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કરાયા હતાં.
સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલી ખાનગી મૈત્રૈય હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરાયેલી 25 વર્ષની મહિલાનું ડિલિવરી પછી મોત નિપજતાં પરિવારજનોમાં ભારે શોક અને રોષ ફેલાયો છે. મૃતકના પરિવારજનો દ્વારા હોસ્પિટલના તબીબો, સંચાલકો અને સ્ટાફ સામે તબીબી બેદરકારીના ગંભીર આક્ષેપ લગાવાયા છે. મહિલા બીજી ડિલિવરી માટે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. ડિલિવરી પછી તેની તબિયત અચાનક લથડી જતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.મહિલાના પરિવારે દાવો કર્યો છે કે મૈત્રૈય હોસ્પિટલમાં સમયસર યોગ્ય સારવાર આપવામાં ન આવી, તેમજ ગંભીર તબિયત વિશે તેમને પૂર્વમાં કોઈ જાણ કરાઈ નહોતી. તેઓએ વધુમાં જણાવ્યું કે હોસ્પિટલ સંચાલકે બેદરકારીભર્યું વર્તન બતાવ્યું છે.ઘટનાને લઈને પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે અને તંત્ર સમક્ષ યોગ્ય કાર્યવાહીની માંગ સાથે રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ, આ સમગ્ર મામલે તંત્ર દ્વારા જરૂરી તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટના વિશે વિગતવાર માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
