ગીર સોમનાથ બીએલઓની કામગીરીનો શિક્ષક સંઘે કર્યો બહિષ્કાર
કામગીરીમાં પૂર્ણ કરવા અપાયેલ સમયમાં વધારો કરવા માગ
બીએલઓ કર્મચારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા શિક્ષક અને બીએલઓ અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી લેતા રાજ્યના તમામ બીએલઓકર્મચારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરશે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના છારા ગામમાં ફરજ બજાવતા મૃતક BLO અરવિંદ મૂળજી વાઢેરના પરિવારજનો અનશન પર ઉતરી ગયા હતા. ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી ડો. પ્રદ્યુમ્ન વાજા કોડીનાર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. કેબિનેટ મંત્રી સાથે જિલ્લા કલેક્ટર ઉપાધ્યાય, એસ.પી. જયદીપસિંહ જાડેજા સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. દરમિયાન પરિવારજનોની માગ સંદર્ભે નગરપાલિકા કચેરી ખાતે મંત્રી અને અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠક બાદ પરિવાર મૃતદેહ સ્વીકારવા તૈયાર થયો હતો. ઘટનાને પગલે જિ.પ્રા.શિક્ષક સંઘના અધ્યક્ષ વિનોદ બારડે જણાવ્યું હતું કે SIR ની કામગીરીના મહત્તમ ભારણના કારણે કોડીનારની છારા કન્યા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક અરવિંદભાઇએ આત્મહત્યા કરી લીધી છે, SIRની કામગીરીના દબાણથી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે, જેથી એક શિક્ષકે આત્મહત્યા કરતાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મેદાને આવ્યું છે. અધિકારીઓની ફરિયાદ સ્વીકારવા માટે નોડેલ અધિકારી નીમવામાં આવે એવી અમારી માગ છે. સંગઠનની માગણી છતાં કોઈપણ ચર્ચા કરવામાં આવી નથી, જેથી અમે વિરોધ કરીએ છીએ. BLOની કામગીરી કરતા શિક્ષકોને ઓનલાઈન કામગીરીથી દૂર રહેવા માટે આહ્વાન કરવામાં આવે છે. જો યોગ્ય પ્રતિસાદ નહીં મળે તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે.
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રદેશ અધ્યક્ષ મિતેષ ભટ્ટે જણાવ્યું હતું કે SIRની કામગીરીને લઈને મુખ્યમંત્રીને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ગીર સોમનાથના શિક્ષકની સુસાઈડ નોટ વાંચતા સમજી શકીએ કે શિક્ષક પર કેટલું પ્રેશર ઊભું કરવામાં આવે છે. શૈક્ષણિક સંઘ આનો ખૂબ જ વિરોધ કરે છે. જવાબદાર અધિકારી સામે કડક પગલાં ભરવામાં આવે એવી અમારી માગ છે તેમજ મૃતક શિક્ષકના પરિવારને એક કરોડ રૂપિયાની સહાય આપવામાં આવે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
