સુરત : સાયબર સ્લેવરીના ઇન્ટરનેશનલ રેકેટનો મામલો
સાયબર ક્રાઇમે આરોપી અકીબને ઝડપી પાડ્યો
અગાઉ 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા
થાઈલેન્ડમાં 70 હજારના પગારની લાલચ આપવામાં આવી હતી
બે મુસ્લિમ યુવાનને મ્યાનમાર મોકલવામાં આવ્યા હતા
ભારતથી મ્યાનમાર ખાતે યુવાનોને નોકરી અપાવવાના બહાને લઈ જઈ સાયબર સ્લેવરી બનાવવાના કાંડમાં વધુ આરોપીઓને સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યા છે.
સુરત પોલીસને સાયબર સ્લેવરીમાં મોટી સફળતા મળી છે. પોલીસે નિપેન્દર ચૌધરી, પ્રીત કમાણી અને આશીશ રાણાની ધરપકડ કરી હતી. આ રેકેટમાં ચોથો સબ એજન્ટ વડોદરાનો અકીબ હુસેન છે. અકીબ સબ એજન્ટ હોવાથી 21 હજારના કમિશનર પર કામ કરતો હતો. અકીબ દ્વારા એજન્ટ દાનીશની મદદથી અમીન ઘાંચી અને સાહિલ ખોખર નામના યુવકોને 70 હજાર પગારની લાલચે થાઈલેન્ડના બદલે મ્યાનમાર મોકલ્યા હતાં. આ 4 ઇસમોની ધરપકડ અને તેમની પૂછપરછ બાદ એક ગુપ્ત ઓપરેશન ચાલ્યું હતું. જેમાં સુરત અને વડોદરાના યુવકને પોલીસ ગુપ્ત ઓપરેશન કરી પરત લાવી છે.બેંગકોકમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં ગુજરાતના બે યુવકો ફસાયા હતાં. આ યુવકોનું સાયબર ગુલામી માટે મ્યાનમારની એક ચાઈનીઝ ગેંગે અપહરણ કર્યું હતું. યુવકોને રિવોલ્વરની અણીએ સાયબર ફ્રોડના કામ કરાવવામાં આવતા હતાં. યુવકો જે કામ કરતા હતા ત્યાં પ્રાઈવેટ જેલ જેમ એક ટોર્ચર રૂમ તૈયાર કરાયો હતો. રાંદેરના યુવકને સારા પગારની લાલચ આપીને એજન્ટે 20 જુલાઈના રોજ બેંગકોક મોકલ્યો હતો. તો સુરતમાં યુવકની જેમ વડોદરાનો યુવકને પણ ફસાવ્યો હતો. બેંગકોક એરપોર્ટ પર ઉતર્યા બાદ યુવકને ઉત્તર પ્રદેશ અને હૈદરાબાદના અન્ય ચાર યુવકો સાથે એક ગાડીમાં બેસાડી દેવાયા હતાં. અને ત્યાંથી 400 કિલોમીટર દૂર મ્યાનમારની સરહદ પર લઈ જવામાં આવ્યો હતો. રસ્તામાં વારંવાર ગાડીઓ બદલીને એજન્ટ તેમને નદી પાર કરાવીને મ્યાનમારના અંધારા જંગલોમાં ધકેલી દીધા હતાં. જંગલના રસ્તા પર ચાલતા યુવકોએ પ્રશ્નો કરતા તેમને ગનથી ડરાવવામાં આવ્યા હતાં. તો હૈદરાબાદનો એક યુવક ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેના પર સ્થાનિક ગુંડાઓએ ગોળીબાર કર્યો હતો જો કે તે પકડાઈ ગયો હતો અને ફરીથી ભાગવાનો પ્રયાસ કરતા તે ગાયબ થઈ ગયો હતો. મ્યાનમારના કે.કે. પાર્કના સાન એસ્ટેટમાં તમામને ગોંધી રખાતા અને બંદૂકની અણીએ સાયબર ફ્રોડ કરાવાતું હતું. જો યુવક કામ ન કરે તો તેને પ્રાઇવેટ જેલ જેવા એક રૂમમાં પૂરી દઈ ટોર્ચર કરાતું હતું. હજુ પણ 300થી વધુ ભારતીય યુવકોને આ રીતે બંધક બનાવવામાં આવ્યા છે. આ રેકેટમાં 20થી 25 હજાર યુવકો ફસાયાની આશંકા છે. પોલીસ અને સરકારી એજન્સીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ કૌભાંડને ઉજાગર કરવા માટે પ્રયાસો કરી રહી છે તેમ જણાવાયુ હતું.
