ભાવનગરમાં પી.એમ.ઈ.જી.પી લોનમાં કરોડોની છેતરપીંડી

Featured Video Play Icon
Spread the love

ભાવનગરમાં પી.એમ.ઈ.જી.પી લોનમાં કરોડોની છેતરપીંડી
નિલંબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ

ભાવનગરશહેરમાં સરકારની PMEGP યોજના હેઠળ આપવામાં આવતી લોનમાં મોટા પાયે ગેરરીતિ અને છેતરપીંડીનો મામલો સામે આવ્યો છે. આ મામલે નિલંબાગ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાતા તપાસનો ધમધમાટ શરૂ

મળતી માહિતી મુજબ, લઘુ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા પી.એમ.ઈ.જી.પી યોજના અંતર્ગત ઓનલાઈન અરજી આધારે સબસીડીયુક્ત લોન આપવામાં આવે છે. જેમાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી-વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનરી ખરીદી માટે લોન મંજૂર કરવામાં આવે છે. પરંતુ ભાવનગરમાં અંદાજે 42 લોનધારકોએ ખોટા બિલો અને બનાવટી દસ્તાવેજોના આધારે લોન મેળવ્યાની ફરિયાદ સામે આવી છે. આરોપ છે કે એજન્ટોની મદદથી ખોટી વિગતો રજૂ કરીને બેંકમાંથી ટર્મ લોન તેમજ કેશ ક્રેડિટ મેળવવામાં આવી હતી.બેંકની આંતરિક તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે લોનની રકમ મશીનરી અથવા સ્ટોક ખરીદવા બદલે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની શક્યતા છે. સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક યુનિટોમાં મશીનરી કે સ્ટોક મળ્યા નહોતા અને કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. આ 42 પૈકી  પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ભુમીબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોનધારકો સામે આશરે રૂપિયા 1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે. લોનની રકમ પરત ન ભરાતા સંબંધિત ખાતાઓને એન.પી.એ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત એજન્ટ તરીકે કામ કરનાર ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. બેંક દ્વારા અનેક વખત નોટિસ પાઠવવા છતાં રકમની વસૂલી ન થતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો હતો. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને તપાસ દરમિયાન અન્ય સંડોવાયેલા લોકો સામે પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બનાવને પગલે સરકારની યોજનાઓમાં પારદર્શિતા અને ચકાસણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે પોલીસ તપાસમાં આગળ શું ખુલાસા થાય છે તે પર સૌની નજર ટકેલી છે….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *