ગાંધીનગર ટાઇફોઇડના ભરડા બાદ રાજકોટ મનપા જાગી
રાજકોટમાં પાણીની ગુણવત્તા ચકાસવામાં આવી
કોઠારીયા વિસ્તારની સોસાયટીમાં ચેકિંગ હાથ ધરાયુ
ગાંધીનગર બાદ રાજકોટમાં પણ પાણીજન્ય રોગચાળો વકરે તેવી દહેશત જોવા મળી રહી છે. જેને લઈને રાજકોટ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે.
છેલ્લા ચાર દિવસમાં રાજકોટ શહેરમાં ટાઈફોઈડનો માત્ર 1 કેસ નોંધાયો છે. જોકે, આ પહેલાં વર્ષ 2025માં પાણીજન્ય ટાઈફોઈડના 99 કેસ અને જોખમી કમળાના 152 કેસ સામે આવ્યા હતા. જેને લઇને મનપા દ્વારા પાણીના જગ વેચતા વેપારીઓને ત્યાં તપાસ કરી ગેરકાયદેસર જગ વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. ગત સપ્તાહે 555 સ્થળેથી પાણીના ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. પાણીજન્ય રોગચાળાથી બચવા લોકોને ઉકાળેલું પાણી પીવાની અપીલ કરવામાં આવી છે. વર્ષ 2025માં વિવિધ રોગના કુલ 89,299 દર્દીઓ એટલે કે રોજના 244 દર્દીઓ નોંધાયા હતા. આરોગ્ય અધિકારી ડો. જયેશ વાંકાણીના જણાવ્યા મુજબ ઓગસ્ટ માસથી લઈને આજસુધી દર મહિનાની 6 તારીખે સુપર ક્લોરીનેશનની ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે. જેમાં વોટરવર્ક્સ અને આરોગ્ય શાખા નળમાં વિતરણ કરાતા પાણીમાં ક્લોરીનેશનની માત્રા યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરે છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2025માં શરદી-ઉધરસના, સામાન્ય તાવ, ઝાડા-ઉલટી, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા મળીને વિવિધ રોગના કુલ 89,299 જેટલા દર્દીઓ નોંધાયા હતા. ખાસ કરીને પાણીજન્ય ઝાડા-ઉલટી, ટાઈફોઈડ અને કમળાનો રોગચાળો વકરે નહીં તેના માટે તંત્ર દ્વારા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જો કોઈ સ્થળેથી કમળો કે ટાઈફોઈડ અને ઝાડા-ઉલટીના દર્દી સામે આવે તો ત્યાં અને આસપાસના વિસ્તારમાં પાણીનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પાણીમાં ક્લોરીનેશનની યોગ્ય માત્રા છે કે નહીં તે અંગે પણ સતત તપાસ કરાઈ રહી છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
